સુરત બાદ પંચમહાલમાં ખેલ પડ્યોઃ કોંગ્રેસના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે
ગોધરા, 26 એપ્રિલ 2024, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ પંચમહાલ કોંગ્રેસમાં પણ જૂથવાદ વકર્યો છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના પત્ની તથા ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યાં બાદ દુષ્યંતસિંહ ચૌહાણ નારાજ હતા. શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અન્ય હોદ્દેદારો, સરપંચો અને કાર્યકરો સહિત 30થી વધુ લોકોએ રાજીનામા આપ્યાં છે. કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણના પત્નીની રશ્મિતા ચૌહાણ સહિતના કાર્યકરો સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે.
અમિત શાહ લુણાવાડામાં જાહેર સભા સંબોધવાના છે
ભાજપ દ્વારા કોંગ્રેસના મૂળિયા સાફ કરવા માટે પાર્ટીમાં કોંગી નેતા અને કાર્યકરોને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો આવતીકાલે કેસરિયા કરશે. આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના સ્ટાર પ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેર સભાને સંબોધન કરનાર છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચુંટણી પ્રચાર અર્થે આવતીકાલે અમિત શાહ ગોધરા ખાતે સભા ગજવશે, ત્યારે તેઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે.
આ પણ વાંચોઃગેનીબેન ઠાકોરે કહ્યું, હવે તો લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છેઃ જુઓ વીડિયો