અમદાવાદ, 17 ઓગસ્ટ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વાર ગઈકાલે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. છેલ્લી બે ટર્મથી લોકસભામાં 26 બેઠકો જીતનાર ભાજપને આ વખતે હેટ્રિક કરતાં રોક્યો છે અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ ગણી ગાંઠી બેઠકો પર પૂરો થવા દીધો છે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક કક્ષાએ જ ઉમેદવારની પસંદગી કરશે.
1 સપ્ટેમ્બથી પ્રમુખ-પ્રભારીના જિલ્લા પ્રવાસો શરૂ થશે
કોંગ્રેસના પ્રવક્તા ડો, મનિષ દોશીએ કહ્યું હતું કે, કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડાશે.સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે સિમ્બોલ પર જ લડવા સૂચના આપવામાં આવી છે. સંગઠનના હિતમાં પ્રદેશ અધ્યક્ષે ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવા સૂચના આપી છે.72 નગરપાલિકાની ચૂંટણી માટે ત્રણ સભ્યોની સંકલન સમિતિ બનાવાઈ છે. જેમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, બળદેવ લૂણી અને રાજુ બ્રહ્મભટ્ટને સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પ્રભારી-પ્રમુખ તમામ જિલ્લા મુલાકાત લેશે. 1 સપ્ટેમ્બથી પ્રમુખ-પ્રભારીના જિલ્લા પ્રવાસો શરૂ થશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચાઓ કરવામાં આવી
અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે પોલિટીકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત ભાજપના ભ્રષ્ટાચાર અને જનઆંદોલનના કાર્યક્રમો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલમા ચાલી રહેલી ન્યાય યાત્રાના સમાપન અંગે પણ કમિટીની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. તે ઉપરાંત રાજ્યમાં પક્ષના સંગઠનમાં કેવા ફેરફારો કરવા તે અંગેની મહત્વની ચર્ચાઓ પણ થઈ હતી.
આ પણ વાંચોઃકોંગ્રેસના સંગઠનમાં ફેરફારો થશે? પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચાઓ થઈ