ગુજરાતટોપ ન્યૂઝ

PACના અધ્યક્ષનું પદ કોંગ્રેસને નહીં મળે, જાણો શું રમાશે રમત

  • શું AAPના ધારાસભ્યો પણ કોંગ્રેસની જેમ મેનેજ થશે?
  • મુખ્ય દંડક અને કોંગ્રેસના દંડક વચ્ચે આ બાબતે બેઠક મળનાર છે
  • પાંચ સમિતિઓમાં ચૂંટણી ટાળવા ભાજપે નવો દાવ અજમાવ્યો

વિધાનસભામાં ચાર નાણાકીય સહિત પાંચ મહત્વની સમિતિમાં ચૂંટણી ટાળવા ભાજપે પોતાના એક એક ઉમેદવારનુ ફોર્મ પરત ખેંચવા નવો દાવ અજમાવ્યો છે. જેમાં જાહેર હિસાબ સમિતિ- PACમાં કોંગ્રેસના બે ધારાસભ્યોને સ્થાન મળે પરંતુ, અધ્યક્ષનું પદ ન મળે એવી ગોઠવણ થઈ રહ્યાનું જાણવા મળ્યુ છે. આમ, વિપક્ષના નેતા પછી કોંગ્રેસને PACના અધ્યક્ષના પદ માટે પણ હાથ ધોવા પડશે. પ્રણાલી અને તટસ્થ ચકાસણીના ભાગ રૂપે PACના અધ્યક્ષનું પદ વિપક્ષના ધારાસભ્યને મળતુ રહ્યુ છે. જેથી સરકારી નાણાકિય હિસાબો, સેક્રેટરીએટ સહિતના વહિવટી તંત્ર ઉપર નિયમન જળવાઈ રહે.

આ પણ વાંચો: સાઇબર ક્રાઇમનો ભોગ બનતા સિનિયર સિટિઝનને બચાવવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન 

મુખ્ય દંડક અને કોંગ્રેસના દંડક વચ્ચે આ બાબતે બેઠક મળનાર છે

પરંતુ, વિધાનસભાની પાંચેય નાણાંકીય સમિતિમાં 15-15 સભ્યો સામે ભાજપે 14-14 અને કોંગ્રેસે બે- બે તેમજ આમ આદમી પાર્ટીએ એક-એકની ઉમદેવારી કરીને ચૂંટણીની સ્થિતિ ઉભી કરી છે. જેને ટાળવા ભાજપે PAC અને પંચાયત સમિતિમાંથી એક- એકનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવી કોંગ્રેસને બે- બે ધારાસભ્યોને સ્થાન આપવા સમાધાનની ફોર્મ્યુલા તૈયાર થઈ રહી છે. અલબત્ત આ બંને સમિતિમાં AAPનું વલણ હજી સુધી સ્પષ્ટ થયુ નથી. આથી, સ્થિતિમાં ચૂંટણીની શક્યતા નકારી શકાય તેમ નથી. પરંતુ, બુધવારે સંસદિય બાબતોના મંત્રી, સત્તાપક્ષના મુખ્ય દંડક અને કોંગ્રેસના દંડક વચ્ચે આ બાબતે બેઠક મળનાર છે. જેમાં ચૂંટણી ટાળવાની ફોર્મ્યુલા નક્કી થશે.

ભાવનગર યુનિ.માં એક ધારાસભ્યે દાવેદારી કરી

પાંચ નાણાકિય સમિતિઓ પૈકી આમ આદમી પાર્ટી- AAPના પાંચ ધારાસભ્યો પૈકી ત્રણે PAC, અંદાજ અને આદિજાતિ સલાહકાર એમ ત્રણમાં એક- એક ઉમેદવારી કરી છે. ઉપરાંત ભાવનગર યુનિ.માં એક ધારાસભ્યે દાવેદારી કરી છે. સમિતિઓની ચૂંટણી ટાળવા ભાજપે ત્રણ સમિતિ અને એક યુનિવર્સિટી પૈકી માત્ર આદિજાતી સલાહકારમાં AAPના એક સભ્યને સ્થાન આપવા કોંગ્રેસ મારફતે કહેવાડાવ્યુ છે. આ મુદ્દે સત્તાવારપણે કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ, આવી ફોર્મ્યુલામાં AAPના ત્રણ સભ્યો ઉમેદવારી પાછી ખેંચી લે તો એકને સમિતિમાં સ્થાન મળશે અને ચૂંટણીની નોબત આવશે નહી ! આથી, કોંગ્રેસની જેમ વિધાનસભા સમિતિ માટે AAPના પાંચ ધારાસભ્યો મેનેજ થાય છે કે કેમ ? તેના પર ચૂંટણીનો દારોમદાર જોવાઈ રહ્યો છે.

Back to top button