આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે પરંતુ આ પહેલા તેને લગત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને નવી સરકાર રચાઈ ગઈ તેને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોંગ્રેસ પોતાના વિરોધપક્ષના નેતાનું નામ નક્કી કરી શકી ન હતી. અંદરોઅંદરની ખેંચતાણના લીધે નામ નક્કી થયું ન હોય દરમિયાન આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસને વિરોધપક્ષનું પદ મળી શકશે નહીં.
વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી
ઉલ્લેખનીય છે કે, કાલથી શરૂ થતાં બજેટ સત્ર પહેલા સુધી કોંગ્રેસે વિપક્ષ પદ માટેની માંગ અધ્યક્ષ પાસે કરી ન હતી. તેથી આજે શંકરભાઈ ચૌધરીએ નિર્ણય લઈને કોંગ્રેસને પદ નહીં આપવાની જાહેરાત કરી હતી. દરમિયાન એક બીજી વાત એ પણ સામે આવી છે કે વિધાનસભામાં કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી એટલે કે કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યાના પાસે 10 ટકા સભ્યો હોવા જોઈએ જે મુજબ 18 સંખ્યાના બદલે કોંગ્રેસના 17 જ સભ્યો થાય છે અને માટે જ તેને આ પદ ન આપવાનો નિર્ણય લેવાયો છે.
પેપરલીક વિરોધી બિલ જેવા બિલો પાસ કરાશે
દરમિયાન કાલથી શરૂ થનાર ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર એકંદરે મહત્વનું રહેવાનું છે. બજેટ ઉપરાંત આ સત્રમાં પેપરલીક વિરોધી બિલ જેવા મહત્વના બિલ પાસ કરવામાં આવનાર છે. આ ઉપરાંત બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે. જે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.