ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષનું પદ કોંગ્રેસને નહીં મળે ? જાણો સરકારે શું કહ્યું ?

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી પૂર્ણ થયે લગભગ બે મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. પણ હજી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા કોણ બનશે ? એ નક્કી થયું નથી. દરમિયાન કોંગ્રેસ હાઈકમાન્ડે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યાં છે જ્યારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવ્યા છે. પણ હજી સુધી વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ જાહેર થયું નથી. ત્યારે આ પદને લઈને રાજ્ય સરકાર કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં છે.

સરકારના પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન

આજે ભુપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટની બેઠક મળી હતી. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, વિરોધપક્ષના પદ માટે લોકસભામાં 10 ટકાનો નિયમ છે, જો 10 ટકા સીટ ન હોય તો વિરોધ પક્ષના નેતાનું પદ મળતું નથી. આ પ્રમાણે ગુજરાતમાં પણ થશે. ઋષિકેશ પટેલે ત્યારબાદ કહ્યું કે, જો કે આ અધિકાર વિધાનસભા અધ્યક્ષનો હોય છે અને તે નક્કી કરશે. અધ્યક્ષ વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને આપવું કે નહીં ? તે અંગે નિર્ણય લેશે. તાજેતરમાં જ વિધાનસભાના પાર્કિંગમાંથી પણ વિપક્ષના નેતાની જગ્યા હટાવી દેવામાં આવી હતી.

Congress

કોંગ્રેસ પાસે 17 બેઠકો જ, બે સીટ માટે પદ નહીં મળે ?

હાલમાં ગુજરાતના ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડી નાખતા 156 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 સીટો આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર જોરશોરથી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને 5 સીટો મળી હતી. જ્યારે ચાર બેઠકો અપક્ષને મળી હતી. પરંતુ વિપક્ષના પદ માટે 10 ટકા બેઠકો એટલે કે 19 બેઠકોની જરૂર હોય છે જે કોંગ્રેસ પાસે નથી અને માત્ર 17 બેઠકો જ છે. જેથી હવે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળશે કે નહીં તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Back to top button