હવે કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, સત્તાપક્ષે આપ્યા સ્પષ્ટ સંકેત
ગુજરાત વિધાનસભામાં હજી વિપક્ષના નેતા તરીકે પદગ્રહણ થયું નથી. સત્તાપક્ષ કોંગ્રેસને વિપક્ષનું પદ આપવાના મુડમાં નથી. કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે પસંદગી કરી છે. જ્યારે દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની ઉપનેતા તરીકે પસંદગી કરાઈ છે. પરંતુ હજી અમિત ચાવડાને વિપક્ષના નેતા તરીકેનું પદ મળ્યું નથી. સત્તાપક્ષ કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં આપે તેવો સ્પષ્ટ સંકેત હવે વિધાનસભાના પાર્કિંગમાંથી દેખાઈ આવ્યો છે. પાર્કિંગમાં વિપક્ષના નેતાની ગાડી માટેની જગ્યા પણ હટાવી દેવામાં આવી છે.
વિધાનસભાના પાર્કિંગમાંથી વિપક્ષની જગ્યા હટાવી લેવાઈ
સૂત્રો મુજબ ગુજરાત વિધાનસભામાં નેતાઓ માટેના પાર્કિંગની વ્યવસ્થા અલગ રાખવામાં આવે છે. જ્યાં ગાડી પાર્ક થાય ત્યાં જે તે મંત્રી કે નેતાના હોદ્દાનું બોર્ડ લગાવેલું હોય છે. પરંતુ વિધાનસભાના પાર્કિંગમાંથી વિપક્ષના નેતાની ગાડી માટે જે પાર્કિંગ ફાળવવામાં આવ્યું હતું ત્યાંથી હવે બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે. આ કારણે સ્પષ્ટ થાય છે કે, હવે સત્તાધારી પક્ષ ભાજપ કોંગ્રેસને વિપક્ષનું પદ આપવા માટે તૈયાર નથી.
કોંગ્રેસે માત્ર 17 બેઠકો પર જીત મેળવી
વિપક્ષના નેતાના પદ માટે કોંગ્રેસને 19 સીટો જરૂરી છે. જ્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે કારમા પરાજયનો સ્વાદ ચાખ્યો છે. કોંગ્રેસે માત્ર 17 બેઠકો પર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસ પણ હવે વિપક્ષના પદ માટે લડી લેવાના મુડમાં છે. અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયાને કહ્યું હતું કે, અમે કોઈ પણ હિસાબે વિપક્ષના નેતાનું પદ મેળવીને રહીશું. તેના માટે કાનૂની લડાઈ લડવાની હશે તો પણ લડીશું. પરંતુ હાલના સંકેતો પરથી ભાજપ કોંગ્રેસને આ પદ આપે એવું લાગતું નથી.