ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એકેય ઉમેદવાર નહીં રાખે : ભાજપ ત્રણેય સીટ ઉપર બિનહરીફ થશે

Text To Speech

આગામી 24 જુલાઈના રોજ ગુજરાતમાં રાજ્યસભાની 3 ખાલી પડતી બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે જેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસ રાજ્યસભામાં એકેય ઉમેદવાર ઉતારશે નહિ જેના લીધે વગર મતદાને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને ત્રણેય બિનહરીફ થવા ઉપર આગળ વધી રહ્યા છે. જો કે ભાજપે તેના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી. દિલ્હીથી હવે ઉમેદવારના જાહેરાતની ઘડીઓ ગણાય રહી છે.

ભાજપની સ્થિતિ વધુ મજબૂત

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં આગામી તા.24 જુલાઈમાં યોજાનારી રાજયસભાની ત્રણ બેઠકોની ચૂંટણી બિનહરીફ થશે. વિધાનસભાના સંખ્યાબળ મુજબ ભાજપ 156 બેઠકો ધરાવે છે. કોંગ્રેસ પક્ષ 17 અને આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો છે તેથી કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકે તેવી સ્થિતિ નથી અને આ પક્ષે રાજયસભા ચુંટણીમાં ઉમેદવાર ઉભા નહી રાખવાની જાહેરાત કરી છે જેનાથી હવે તા.13ના રોજ ઉમેદવારી નોંધાવતા જ ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થશે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ સ્વીકાર્યુ કે અમારી પાસે એક પણ બેઠક જીતી શકાય તેટલા મતો નથી તેથી અમોએ ચૂંટણી નહી લડવા નિર્ણય લીધા છે.

એકાદ બે દિવસમાં જ ઉમેદવાર જાહેર કરાશે

આમ ગુજરાતમાં હવે રાજયસભા માટે મતદાનની જરૂર રહેશે નહી. ભાજપના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ગઈકાલે થઈ હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પશ્ર્ચિમ ઝોનની બેઠકમાં હાજરી આપવા ગયા હતા. હવે ભાજપ એક-બે દિવસમાં તેના ઉમેદવારોના નામોની જાહેરાત કરશે અને પછી તા.13ના તેઓ ઉમેદવારી નોંધાવાની ઔપચારીકતા પુરી કરશે. જેમાં વિદેશમંત્રી એસ.જયશંકરને ભાજપ પુન: રાજયસભાના સભ્ય બનાવશે તે નિશ્ચિત છે પણ અન્ય બે નામો નવા હશે અને તેમાં હવે આદીવાસી-મધ્ય ગુજરાતના ક્ષેત્રના ચહેરાને સ્થાન મળી શકે છે.

Back to top button