પહેલા તબક્કામાં કોંગ્રેસને મળશે આટલી સીટો, અર્જૂન મોઢવાડીયાએ આપ્યું આ નિવેદન


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ આગામી 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે. ત્યારે આ પહેલા ગુરુવારે પહેલા તબક્કામાં 63.14 ટકા સત્તાવાર મતદાન નોંધાયું હતું. આ આંકડા બાદ આજે કોંગ્રેસના પોરબંદર બેઠકના ઉમેદવાર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેઓએ પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે તેવું ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું.
જનતાએ અસલી મુદ્દાઓના આધારે કર્યું મતદાન
વધુમાં અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે ગઈકાલનું મતદાન જોઈને એવું લાગે છે કે, રાજ્યની જનતા હવે ભાજપને ફેંકી દેવાનું મન બનાવી ચુકી છે. ગઇકાલે થયેલું મતદાન ભાજપના નકલી મુદાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે. ભાજપ મુદ્દાઓ ભટકાવવામાં માહેર છે અને તેના માટે પીએમ સહિતના નેતાઓ હાલ ગુજરાતમાં આંટાફેરા કરી રહ્યા છે.
આપની ડિપોઝીટ પણ જવાની છે
વધુમાં તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમની જેમ કામ કરી રહી છે. તે ભાદરવાના ભીંડાની માફક નીકળી ગઈ છે પરંતુ પ્રજા તેને ઉખાડી ફેંકશે અને કોંગ્રેસ સત્તા ઉપર આવશે તે નિશ્ચિત છે.