કોંગ્રેસ SC-STનો અધિકાર છીનવી મુસ્લિમોને અનામત આપવા માગે છેઃ અમિત શાહ
ભરૂચઃ 27 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જબરદસ્ત પ્રચાર શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ ગુજરાતના મેદાનમાં મતદારોને રિઝવવા માટે ઉતરી ગયાં છે. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહે પોરબંદર બેઠક પર જામકંડોરણામાં સભા ગજવી હતી. ત્યાર બાદ તેઓ ભરૂચ પહોંચ્યા હતાં અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં લોકોને સંબોધન કર્યું હતું. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ SC-STનો અધિકાર છીનવી મુસ્લિમોને અનામત આપવા માગે છે. અમે અમારા ઘોષણાપત્રમાં કહ્યું છે, કોઈપણ આરક્ષણ ધર્મના આધાર પર ન હોય શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે. ભાજપ એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપના આદિવાસી, દલિત અને ઓબીસીને રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે.
કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમારા સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકેય ગામમાં ન ગયું હોય એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીં પ્રભારી હતો. નાનામાં નાની વાતમાં ઝઘડો કરી દે પણ વાત ભરૂચના મતદાતાની હોય પોતાની ન હોય.અમિત શાહે કહ્યું કે,આવો જનપ્રતિનિધિ નહીં મળે, ગરબડ કરશો તો અર્બન નકસલ આવીને આદિવાસી વિસ્તારને તહસનહસ કરી નાખશે, ભૂલ ન કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું.કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા છે. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે અને આપ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી છે.
યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે
અમિત શાહે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી છે. આપ પાર્ટી જૂઠાણા ફેલાવવાળા સરદાર જેવી પાર્ટી છે. આ બે જૂઠા ભરૂચમાં ભેગા થયા છે. એમને એક અફવા ચલાવી કે, ભાજપને 400 સીટ આવશે તો અનામત સમાપ્ત કરી નાખશે. ભાજપ પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. અમે બંધારણમાંથી અનામત સમાપ્ત નથી કરી. હું એક મોદીની ગેરેંટી કહેવા આવ્યો છું. મોદી આદિવાસી, દલિત અને OBCની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા દેશે પણ નહીં. એ લોકો કહે છે કે, UCC આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે. UCCના બિલમાં ત્રીજું જ વાક્ય છે કે, કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે.
કોંગ્રેસ વાળા 370ની કલમને દત્તક છોકરાની જેમ ખોળામાં રમાડ્યા કરતા હતા
અમિત શાહે કહ્યું હતું કે, આદિવાસીઓને હું કહેવા આવ્યો છું કે, ચૈતર વસાવા એન્ડ કંપની જૂઠાણા ફેલાવવાની વાત કરે છે કોઈ એમા ન આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીના મિત્ર છે. કોંગ્રેસ વાળા 70 વર્ષથી 370ની કલમને દત્તક છોકરાની જેમ ખોળામાં રમાડ્યા કરતા હતા. 70 વર્ષથી ઉપરના દરેક નાગરિકને રોડપતિ હોય કે કરોડપતિ હોય દરેકનો દવાનો ખર્ચ નરેન્દ્રભાઈએ માફ કરવાની જાહેરાત કરી દીધી છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ કોંગ્રેસને આપ્યું પણ એમને વોટબેંકની બીક લાગે એટલે ગયા જ નહીં.ભરૂચ હું ખાસ એટલા માટે આવ્યો છું કે, હું ચૈતર વસાવાને સારી રીતે ઓળખું છું. ભૂલ ન કરતા નહીં તો વર્ષોથી આપણે ત્યાં પહેલા ખંડણી બિઝનેસ હતો અને બંધ થયો છે તે બધુ ફરીવાર ચાલુ થશે. આપ પાર્ટીને હું ઓળખું છું.
આ પણ વાંચોઃનરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાના ઉમેદવારને જીતાડવાના છેઃ પાટીલ