ભાજપના શ્વેતપત્રના જવાબમાં કોંગ્રેસ “અશ્વેતપત્ર” જારી કરશે
- હવે સંસદમાં શરૂ થશે શ્વેતપત્ર અને અશ્વેતપત્ર વચ્ચે યુદ્ધ
- કેન્દ્ર સરકારના 10 વર્ષના કાર્યકાળ પર કોંગ્રેસ લાવશે બ્લેક પેપર
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી પહેલા બજેટ સત્ર 17મી લોકસભાનું છેલ્લું સત્ર છે. સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ પછી પ્રમુખ દ્રૌપદી મૂર્મુંના સંબોધન પર ચર્ચા શરૂ થઈ. આ ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસને ઘેરી લીધી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા યુપીએના દસ વર્ષના કાર્યકાળ પર શ્વેતપત્ર લાવવાના સમાચારો બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પણ મોદી સરકારના કાર્યકાળ પર અશ્વેતપત્ર (બ્લેક પેપર) લાવી શકે છે.
Congress to bring ‘Black Paper’ on Modi government’s 10 years in response to ‘White Paper’ set to be brought by Central Government against UPA Government’s 10 years. Congress president Mallikarjun Kharge likely to bring the ‘Black Paper’: Sources
— ANI (@ANI) February 8, 2024
નિર્મલા સીતારમણ સંસદમાં રજૂ કરશે શ્વેતપત્ર
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર સંસદમાં શ્વેતપત્ર લાવી શકે છે. આ શ્વેતપત્ર યુપીએ સરકારની આર્થિક નિષ્ફળતાઓ પર હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ શ્વેતપત્ર સંસદમાં રજૂ કરશે. જેમાં 2014 પહેલાની યુપીએ સરકાર અને ત્યારબાદ એનડીએ સરકારની નીતિઓનો અભ્યાસ રજૂ કરવામાં આવશે. જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી અશ્વેતપત્ર (બ્લેક પેપર) લાવવાની તૈયારી કરી રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, યુપીએ સરકારના 10 વર્ષ સામે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા શ્વેતપત્ર (વ્હાઈટ પેપર)ના જવાબમાં કોંગ્રેસ મોદી સરકારના 10 વર્ષ પર અશ્વેતપત્ર (બ્લેક પેપર) લાવશે. આ બ્લેક પેપર રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રજૂ કરે તેવી સંભાવના છે.
બજેટ સત્ર 10 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું
અગાઉ સંસદનું વર્તમાન બજેટ સત્ર એક દિવસ વધારીને 10 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈ કાલે બુધવારે આ જાહેરાત કરી હતી. સવારે ઉપલા ગૃહમાં કાર્યવાહી શરૂ થતાં જ રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે કહ્યું હતું કે, મંગળવારે યોજાયેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન તમામ પક્ષોના નેતાઓ રાજ્યસભાની બેઠક 10 ફેબ્રુઆરી સુધી લંબાવવા પર સહમત થયા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન ન તો શૂન્યકાળ હશે કે ન તો પ્રશ્નકાળ. આ દિવસે માત્ર કેટલાક મહત્વપૂર્ણ સરકારી કામ પૂરા થશે.
આ પણ જુઓ: પાકિસ્તાનમાં આજે મતદાન, 12.69 કરોડ મતદારો ચૂંટણીમાં નવી સરકારને કરશે પસંદ