ગુજરાતદક્ષિણ ગુજરાત

વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી, સુરતના ઓલપાડમાં રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોની પત્રિકા વિતરણનું કામ શરૂ

Text To Speech

વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પોતાની સક્રિયતા દાખવવાની શરૂ કરી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતેથી તમામ વિધાનસભા વિસ્તારોમાં રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત આજે વિધાનસભા મતવિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કામગીરી શરૂ કરાય છે. ઓલપાડ બેઠક ઉપર વહેલી સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા.

દરેક વ્યક્તિ સુધી વાત પહોંચાડવાના પ્રયાસ
વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની રીતે જાહેરાતો કરી રહ્યા છે. એ જાહેરાતોને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. ઓલપાડ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નાનામાં નાની વ્યક્તિ સુધી કોંગ્રેસના વચનોને પહોંચાડવાનો લક્ષ્ય સાથે પત્રિકા વિતરણ શરૂ કરી છે. શાકભાજી વિક્રેતા હોય અનાજ કરિયાણાના દુકાનદાર હોય કે અન્ય કોઈ નાના મોટા ધંધા કરતા બજારના વેપારીઓ હોય તેમ જ રહેણાંક વિસ્તારમાં પણ પત્રિકા વિતરણ કરવામાં આવી છે.

ભાજપે માત્ર જૂઠાણાં જ ચલાવ્યા છે
કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં સામાન્ય પ્રજા સુધી કોઈ લાભ પહોંચ્યો નથી. માત્ર માર્કેટિંગ કરીને સૌથી આગળ રહીને આ પાર્ટીએ વિજય મેળવ્યો છે. પરંતુ અમે સત્યની સાથે છીએ. હવે લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ખૂબ મોટું જૂઠાણું ચલાવ્યું છે. ગામડાઓમાં ખેડૂતોના અનેક પ્રશ્નો હોય માલધારીઓના પ્રશ્નો હોય સરકાર હંમેશા નિષ્ક્રિય રહી છે. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે સૌ કોઈ ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ફરીને લોકોને પત્રિકા વિતરણ કરીને લોકો સુધી અમારી વાત પહોંચાડવાનું શરૂ કર્યું છે.

Back to top button