રાહુલ ગાંધીની યાત્રા પહેલા ભાજપનું ઓપરેશન ‘અંબરિશ ડેર’, જાણો શક્તિસિંહનો નિર્ણય
અમદાવાદ, 4 માર્ચ 2024, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય અમરીશ ડેર લોકસભા ચૂંટણી પહેલા કેસરિયો કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. આખરે અંબરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું છે.આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અમદાવાદમાં અંબરીશ ડેરના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ શાંતિકુંજ બ્લિસ સોસાયટીમાં બંને વચ્ચે મુલાકાત થઈ હતી. પરંતુ કોંગ્રેસે અંબરીશ ડેર રાજીનામું આપે તે પહેલાં જ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, અંબરીશ ડેર આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જશે.
અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા
આજે સવારે એક તરફ અંબરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અંબરીશ ડેર રાજીનામું આપે તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.તેમની ઉપર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પાટીલે અંબરીશ ડેરની ઘરે જઈને મુલાકાત કરી
હાલ અમરીશ ડેરના માતૃશ્રીની નાદુરસ્ત તબિયત છે, તેમને 5 દિવસ માટે ICUમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન સારવાર લઈને ઘરે પહોંચ્યા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમરીશ ડેરના માતાના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પાટીલ ડેરના માતાને રૂબરુ મળ્યા ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, અંબરીશ ડેરની મુલાકાત દરમિયાન સી.આર. પાટીલની સાથે પીએમ મોદીના વિશ્વાસુ પી. કે લહેરી હતાં. જેથી આ ઓપરેશન દિલ્હીથી પાર પાડવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પાલડીથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે, CMએ અંડરપાસ ખુલ્લો મુક્યો