અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત દિગ્ગજો ભાજપમાં ગયા, આજે વધુ એક નેતાનું રાજીનામું

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2024, ગુજરાત કોંગ્રેસના મોટાભાગના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. ગઈકાલે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ ટર્મ પૂર્ણ થતાં જ દીકરા સાથે કેસરીયો ખેસ પહેરી લીધો હતો. ત્યાર બાદ હવે ઉત્તર ગુજરાતના પૂર્વ ધારાસભ્યએ પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત હતી ત્યાં હવે માત્ર ગેનીબેન ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સિવાય કોઈ મજબૂત નેતા રહ્યો નથી. બીજી તરફ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ રાજીનામું આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલનું રાજીનામું
ઉત્તર ગુજરાતમાં હવે કોંગ્રેસે પકડ ગુમાવી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના અનેક દિગ્ગજો ભાજપમાં ગયા. નરેશ રાવલ, સી.જે ચાવડા, ગોવાભાઈ રબારી, મોહનભાઈ પટેલ, પી.આઈ. પટેલ, જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આટલું નહીં બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામુ આપી શકે છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગઇકાલે અચાનક કાંતિ ખરાડીએ મતવિસ્તારની મુલાકાત લેતા તેઓ મતદારોનું કારણ આગળ ધરી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓને વેગ મળ્યો છે.

પાંચ વર્ષમાં 31 દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થયા
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 31 દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. તેમાં વર્તમાનથી લઈ પૂર્વ ધારાસભ્ય, મંત્રી, સાંસદોનો સમાવેશ થાય છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જ સાત મોટા નેતાઓએ કેસરીયો ખેસ પહેરી લીધો છે. 2019 બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 9 લોકો વર્તમાન ધારાસભ્ય છે. જ્યારે 20 નેતાઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. એવું કહેવાય છે કે પાટણના વર્તમાન ધારાસભ્ય ડો. કિરીટ પટેલ પણ કોંગ્રેસથી નારાજ છે.તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ પણ પક્ષમાંથી રાજીનામું આપી શકે છે.

ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ થયું છે. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ખેંચી જવા માટેના પ્રયાસો સંપૂર્ણ પણે સફળ થયાં છે. હવે ભાજપના નિશાને તુષાર ચૌધરી, કનુ બારૈયા, ગુલાબસિંહ ચૌહાણ, અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેર છે. ગઈકાલે નારણ રાઠવા સહિત 11 હજારથી વધુ લોકો ભાજપમાં જોડાયા હતાં. કોંગ્રેસનું હવે શું થશે એવા સવાલો અનેક રાજકીય સુત્રોમાં થઈ રહ્યાં છે. જ્યારે ભાજપ આ વખતે પાંચ લાખના માર્જિનથી દરેક સીટ જીતીને હેટ્રીક કરવા માંગે છે. વિધાનસભામાં 150 બેઠક મેળવવાનો રેકોર્ડ તોડ્યા બાદ હવે લોકસભામાં શું થાય છે એ સમય બતાવશે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં દાવેદારોનો રાફડો, અરવિંદ વેગડા અને હિતુ કનોડિયાએ ભાજપ પાસે ટિકિટ માંગી

Back to top button