ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે હાઈકમાન્ડને ઉમેદવારોના નામ મોકલ્યા
અમદાવાદ, 23 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠકો પરથી આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ત્યારે પાંચ બેઠકો પર પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે અને દિલ્હી ખાતે હાઈકમાન્ડને નામ મોકલવામાં આવ્યાં છે. હાલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ લોકસભાની ચૂંટણી લડવાનો ઈનકાર કરી રહ્યાં છે. તેવી રીતે ભાજપમાંથી પણ બે બેઠકો પર ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં ગઠબંધન નહીં થાય કારણ કે વિસાવદર સિવાય તમામ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં.
વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનો કોઈ ઉલ્લેખ નથી
ગુજરાતમાં માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણી, ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલ,વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડા, પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયા, વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જો કે, વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આણંદમાં લોકસભામાં ત્રિકોણિયો જંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિસાવદરથી ભાવેશ ત્રાપસિયા અને ડો. પ્રિયવદન કોરાટ, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર,નવીનસિહ સોલંકી અને દાનુભાઇ ગોહેલનું નામ મોકલવામાં આવ્યું છે. વાઘોડિયા બેઠક પરથી કનુભાઇ ગોહિલ અને કિરણ રાઠોડનું નામ મોકલાયું છે. જ્યારે માણાવદરમાં હરિભાઈ પટેલ અને પાલ આંબલિયાનું નામ મોકલવામાં આવ્યું છે. પોરબંદરમાં ધૂરંધર નેતા અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ રાજુ આડેદરાનું નામ મોકલાયું છે. તે ઉપરાંત વિજાપુર બેઠક પરથી પાટીદાર નેતાઓના નામ મોકલવામાં આવ્યાં છે.ગુજરાતમાં અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની તબિયતનું કારણ આગળ ધરીને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. જ્યારે વડોદરા બેઠક પર વિરોધ વધતાં ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે પણ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. હવે સાબરકાંઠામાં જાહેર થયેલા ભાજપના સાંસદ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. જ્યારે આણંદ બેઠક પર મિતેષ પટેલનું કોકડું ગૂંચવાયું છે.
આ પણ વાંચોઃરંજનબેન બાદ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મેદાન છોડ્યું