ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મમતાજી વગર INDI ગઠબંધનની કલ્પના કરવી પણ મુશ્કેલ: કોંગ્રેસ

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે બુધવારે કહ્યું કે મમતા બેનર્જી વગર I.N.D.I.A. ગઠબંધનની કલ્પના પણ કરી શકાતી નથી. 2024ની લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ એકલા હાથે જ લડશે તેવી મમતાની જાહેરાત બાદ જયરામ રમેશે આ વાત કરી હતી. મમતા બેનર્જીના આ નિર્ણયથી વિપક્ષી ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. જયરામ રમેશે વધુમાં કહ્યું, મમતા બેનર્જીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું કે અમે ભાજપને હરાવવા માંગીએ છીએ અને અમે ભાજપને હરાવવા માટે કંઈ પણ કરીશું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે મમતાજી અને ટીએમસી INDI ગઠબંધનના ખૂબ જ મજબૂત આધારસ્તંભ છે.

સીટ વહેંચણીની વાટાઘાટાનો વચ્ચે મમતાએ મોટો ઝટકો આપ્યો

આ પહેલા TMCના વડા મમતા બેનર્જીએ INDI ગઠબંધનને મોટો ઝટકો આપતા કહ્યું હતું કે, મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે અમે બંગાળમાં એકલા લડીશું. મને એ બાબતે ચિંતા નથી કે દેશમાં શું થશે પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ. અમે એક પાર્ટી છીએ અને અમે એકલા જ બંગાળમાં ભાજપને હરાવીશું. જો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસામમાં કહ્યું કે સીટ વહેંચણી પર તૃણમૂલ કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે તેના એક દિવસ બાદ તેમની ટિપ્પણી આવી છે. આ ઉપરાંત, મમતાના નિર્ણય બાદ INDI ગઠબંધનના અન્ય નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

મંત્રણા દ્વારા ઉકેલ મળશેઃ AAP નેતા

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, TMC પશ્ચિમ બંગાળમાં એક મોટી પાર્ટી છે, કોંગ્રેસ અને ડાબેરીઓ હંમેશા તેમની સામે લડતા આવ્યા છે. તેથી TMC સાથે સીટો વહેંચવી થોડી મુશ્કેલ હશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ વાતચીત દ્વારા ઉકેલાશે. મમતા બેનર્જી અને રાહુલ ગાંધી I.N.D.I.Aની સફળતા માટે પ્રતિબદ્ધ છે. અમને આશા છે કે વિપક્ષી ગઠબંધનના તમામ પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે.

થોડા સમય સુધી રાહ જોવાની જરૂર: મનોજ ઝા

બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાના મમતા બેનર્જીના નિર્ણય પર RJDના સાંસદ મનોજ ઝાએ કહ્યું, આ મુદ્દાને લઈને થોડા સમય રાહ જોવી જોઈએ. બની શકે છે કે આ નિવેદન કોઈ ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યું હોય. જો કોઈ મતભેદ હશે તો INDI ગઠબંધન તેનો જરૂરથી ઉકેલ લાવશે.

નિવેદન કોઈ રણનીતિનો ભાગ હોઈ શકે: NCP નેતા

એનસીપી (શરદ પવાર જૂથ)ના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી INDI ગઠબંધનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ અમારી સાથે છે અને અમે આની મજબૂતીથી લડીશું. જો તેમણે નિવેદન આપ્યું છે, તો તે એક રણનીતિનો ભાગ હોઈ શકે છે. ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી. અમે ભાજપ સામે મજબૂત રીતે લડી રહ્યા છીએ.

મહત્ત્વનું છે કે, આગામી લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં TMC પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને TMC વચ્ચે બંગાળમાં સીટ શેરિંગને લઈને વાટાઘાટો ચાલી રહી હતી. મંત્રણા દ્વારા કોઈ ઉકેલ ન આવતા અંતે મમતાએ બંગાળમાં કોઈ પણ ગઠબંધન વગર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વિપક્ષી ગઠબંધનમાં આ ચર્ચાએ જોર પકડ્યું  છે. બીજી તરફ, ભાજપે પણ કોંગ્રેસ અને INDI ગઠબંધન પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો: TMCએ રાહુલ ગાંધીની મુલાકાતને બાજુ પર રાખી, કહ્યું કોંગ્રેસે પહેલા સીટ વહેંચણી અંગે વાત કરવી જોઈએ

Back to top button