ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી પરંતુ રાજકીય નેતાઓ પોતાનો ફાયદો અત્યારથી જોવા લાગ્યા છે. જો કે તેનું નુકસાન જે-તે પાર્ટીને થાય છે. સૌથી વધુ નુકસાનને કોંગ્રેસને જ થઈ રહ્યું છે. એકબાજુ કોંગ્રેસ બે દશકાથી વધુ સમયથી સત્તાથી વિમુખ છે તો એક પછી એક નેતાઓ હાથનો સાથ છોડીને ભાજપ અને આપમાં જોડાય રહ્યાં છે. આ કડીમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તેમજ માજી કોંગ્રેસ-પ્રમુખનું નામ જોડાયું છે. છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને માજી પ્રમુખ યશપાલસિંહ ઠાકોર કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું. ગત મહિને યોજાયેલી ગુજકોમાસોલની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના પ્રમુખનાં ભાભીને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, ત્યારથી જ અટકળો વહેતી થઈ હતી. વિધાનસભાના વિરોધપક્ષના નેતાના જિલ્લામાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. 300થી વધુ કાર્યકરો સાથે આ આગેવાનો ભાજપમાં જોડાયા.
કોંગ્રેસના ગઢમાં ગાબડું
છોટાઉદેપુર જિલ્લો આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે. છોટાઉદેપુર જિલ્લામાંથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણસિંહ રાઠવા છે. છોટાઉદેપુર વિધાનસભ્ય મોહનસિંહ રાઠવા સિનિયર ધારાસભ્ય છે. બીજી તરફ વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાનો મજબૂત ગઢ ગણાય છે, એમાં ભાજપે મોટું ભંગાણ પાડ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી ભાજપનો ભરતીમેળો ચાલુ છે, જેમાં આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ ઉમેશ શાહ તેમજ તેમના ભાઈ-ભાભી અને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ યશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા. આ સાથે આશ્રમશાળાના ક્ષેત્રે જિલ્લામાં મોટું નામ ગણાય છે એ અનિરુદ્ધભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. આમ, કોંગ્રેસમાં સોપો પડ્યો છે.