નેશનલ

કેરળમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસનો કોંગ્રેસે કર્યો વિરોધ, કહ્યું ‘ઇતિહાસનું સૌથી ખરાબ બજેટ’

Text To Speech

કેરળ સરકારે શુક્રવારે જાહેર કરેલા બજેટમાં પેટ્રોલ, ડીઝલ અને દારૂ પર સેસ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે સરકારના આ નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. શનિવારે કોચીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ સીએમના કાફલાની સામે પેટ્રોલ ડીઝલ પર સેસ લાદવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. કોચીમાં જ્યારે મુખ્યમંત્રી પી. વિજયનનું મોટરકૅડ સરકારી ગેસ્ટ હાઉસથી નીકળી રહ્યું હતું, ત્યારે યુથ કૉંગ્રેસના કાર્યકર્તાઓ મુખ્યમંત્રીના મોટર કાફલાની સામે આવ્યા હતા અને કાળા ઝંડા બતાવ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓ સરકાર પાસે નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા હતા. જો કે, પોલીસે તાત્કાલિક યુથ કોંગ્રેસના કાર્યકરોને કાબુમાં લીધા હતા અને મુખ્યમંત્રીનો કાફલો આગળ વધી ગયો હતો.

ડાબેરી સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ શનિવારે રાજ્યભરમાં કાળો દિવસ મનાવ્યો હતો. કોંગ્રેસ સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહી છે. આજે રાજ્યભરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા પેટ્રોલ પંપ પર વિરોધ રેલી અને દેખાવો યોજાયા હતા. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફના સંયોજક એમએમ હસને પેટ્રોલ, ડીઝલ અને દારૂ પર સેસ લાદવાના સરકારના પ્રસ્તાવની ટીકા કરી અને કહ્યું કે “કેરળના ઇતિહાસમાં આ સૌથી ખરાબ બજેટ છે”. આ લોકો પાસેથી લૂંટ સિવાય બીજું કંઈ નથી’.

કોંગ્રેસ આગામી દિવસોમાં તેના વિરોધને વધુ ઉગ્ર બનાવશે અને 9 ફેબ્રુઆરીએ રાજ્યભરની જિલ્લા કોંગ્રેસ સમિતિઓ વિરોધમાં જિલ્લા કલેક્ટર કચેરીઓ સુધી કૂચ કરશે. તમને જણાવી દઈએ કે કેરળ સરકારે શુક્રવારે બજેટની જાહેરાત કરી હતી. જેમાં નાણામંત્રી કેએન બાલા ગોપાલે કહ્યું હતું કે સામાજિક સુરક્ષા માટે ભારતમાં બનેલા વિદેશી દારૂ અને પેટ્રોલ ડીઝલ પર સેસ લગાવવાનો પ્રસ્તાવ છે જેથી સમાજના વંચિત અને પછાત વર્ગને આર્થિક મદદ કરી શકાય. બીજી તરફ, સીપીઆઈ(એમ)ના રાજ્ય સચિવ એમવી ગોવિંદને કહ્યું છે કે માત્ર સેસ લાદવાનો પ્રસ્તાવ છે અને તેના પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : દેશની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી તૈયાર, 6 ફેબ્રુઆરીએ PM મોદી કરશે તેનું ઉદ્ઘાટન

Back to top button