ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે એટલે પક્ષપલટો થાય તેમાં કોઇ નવાઇ નહીં. વળી આ વખતે તો ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે ત્યારે દરેક પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટે તોડ જોડની રાજનીતિ કરી રહ્યા છે. એક તરફ પીએમ મોદી દ્વારા ગુજરાતમાં એકબાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અઠવાડિયે એકવાર ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આવતીકાલે સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે.
ઉલ્લેખનિય છે કે આવતીકાલે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક યોજાશે.મહત્વનું છે કે ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.