ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાન કૉંગ્રેસમાં રાજનીતિ, ધારાસભ્યોમાં નારાજગી યથાવત્, હાઈકમાન્ડને સોંપાશે અહેવાલ

Text To Speech

રાજસ્થાન કૉંગ્રેસમાં રાજનીતિ ગરમાઈ છે. જી હાં, છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈ રાજસ્થાન કૉંગ્રેસમાં રાજનીતિ ચાલી રહી છે. જેને લઈ કૉંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી, તો કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું હતું કે તેમને ધારાસભ્યો સાથે વાતચીત કરવા માટે સૂચના આપવામાં આવી છે.

હાઈકમાન્ડને સોંપાશે અહેવાલ

રાજસ્થાનની રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાતી જોવા મળી રહી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો મલિકાર્જુન ખડગે અને અજય માકન આજે બપોરે દિલ્લી પરત આવી રહ્યા છે અને ટોચના નેતૃત્વને રાજસ્થાનની રાજકીય સ્થિતિનો અહેવાલ સુપરત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે નારાજ ધારાસભ્યો નિરીક્ષકોને મળવા તૈયાર નથી. જોકે, મોડી રાત્રે હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ સચિન પાયલટે નિરીક્ષકો સાથે બીજા રાઉન્ડની બેઠક કરી હતી. જણાવી દઈએ કે સચિન પાયલટના વિરોધમાં ગેહલોત તરફી ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ નિરીક્ષકોને વાટાઘાટો દ્વારા રાજકીય વિવાદ ઉકેલવા કહ્યું હતું.

સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી

સોનિયા ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસમાં આ હંગામા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું હતું કે તેમને ધારાસભ્યો સાથે વાતચીત કરવા માટે સૂચના આપવામાં આવી છે. અજય માકને કહ્યું કે અમારી સાથે આવેલા અન્ય નિરીક્ષક મલ્લિકાર્જુન ખડગે પણ ધારાસભ્યો સાથે વાત કરશે. જોકે, ધારાસભ્યોએ વાટાઘાટો કરવાનો ઈન્કાર કરી દીધો છે.

સચિન પાયલટના નામ પર ગેહલોત કેમ્પ ગુસ્સે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા તે પછી નવા ઉત્તરાધિકારી વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી. આમાં બે નામ મુખ્ય રીતે આવ્યા હતા. પ્રથમ નામ સચિન પાયલટનું અને બીજું નામ વિધાનસભા અધ્યક્ષ ડૉ. સી.પી. જોશીનું. જોકે, હવે ગેહલોત કેમ્પ સચિન પાયલટનું નામ સ્વીકારવા તૈયાર નથી.

Rajasthan political crisis
Rajasthan political crisis

નારાજ ધારાસભ્યોએ રાજીનામા સોંપ્યા

રવિવારે ધારાસભ્ય દળની બેઠક પહેલા જ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત કેમ્પના ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીને તેમના રાજીનામા સોંપી દીધા હતા. રાજ્ય વિધાનસભામાં મુખ્ય દંડક મહેશ જોશીએ રવિવારે મોડી રાત્રે કહ્યું હતું કે અમે રાજીનામું આપી દીધું છે અને હવે આગળ શું કરવું તે અધ્યક્ષ નક્કી કરશે.

પાર્ટીએ વફાદાર લોકોનું ધ્યાન રાખવું જોઈએ

આ પહેલા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત મંત્રી ગોવિંદ રામ મેઘવાલે કહ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી સુધી મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઉત્તરાધિકારી વિશે કોઈ વાત કરવામાં આવશે નહીં. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ દોટાસરાએ કહ્યું કે બધુ બરાબર છે. કોંગ્રેસના ચીફ વ્હીપ મહેશ જોશીએ કહ્યું કે અમે અમારી વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. આશા છે કે લીધેલા નિર્ણયોમાં તે બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. ધારાસભ્યો ઈચ્છે છે કે જેઓ કોંગ્રેસ અધ્યક્ષ અને હાઈકમાન્ડને વફાદાર રહ્યા છે તેમનું પક્ષ સંપૂર્ણ ધ્યાન રાખે.

Back to top button