અમદાવાદગુજરાત

અમદાવાદ પહોંચી કોંગ્રેસની ન્યાય યાત્રા, MLA જિજ્ઞેશ મેવાણીના સરકાર સામે ગંભીર આક્ષેપો

અમદાવાદ: 22 ઓગસ્ટ 2024, ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા તેના અંતિમ તબક્કામાં છે. 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા રાજકોટ અને સુરેન્દ્રનગર થઈ આજરોજ અમદાવાદ પહોંચી છે. અમદાવાદ સરખેજ રેલવે ક્રોસિંગથી ન્યાય યાત્રા વાસણા APMC થઈ પાલડીમાં સ્થિત કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જશે. જ્યાં એક વિરામ બાદ બપોરે 2:30 કલાકે યાત્રા રવાના થશે અને ગાંધી આશ્રમ સાબરમતી ખાતે જશે, ત્યાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

“ભાજપનાં પાપનો ઘડો” કોંગ્રેસે સાથે રાખ્યો
મોરબી બ્રિજ દૂર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસે ન્યાયયાત્રા કાઢી હતી. મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર પહોંચવાની હતી પરંતુ હવે અમદાવાદમાં તેનું સમાપન કરાશે. આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદ પહોંચી છે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી હતી અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસે પોતાની સાથે એક ઘડો રાખ્યો હતો જેને કોંગ્રેસ ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે.

સાંજે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન
અગાઉ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રસ્તા પર જઇને લોકોની વચ્ચે જઇને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. અતિવૃષ્ટિથી નુકસાન, પાણી ભરાવવાની સમસ્યા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ન્યાય યાત્રા શરૂ કરી હતી. જ્યાં સરકાર લોકોના પ્રશ્નોને સાંભળતી નથી, ત્યાં કોંગ્રેસની ન્યાય યાત્રાના કારણે સરકારે એક્શનમાં આવી લોક સંવાદ કરવો પડ્યો. યાત્રા દરમિયાન સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું કે, મોરબીમાં ક્રાંતિસભા કરીને નીકળેલી યાત્રા હવે અમદાવાદ પહોંચી. આજે સાંજે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે પ્રાર્થના કરીશું કે, દુર્ઘટનાઓમાં જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓને ન્યાય મળે.

ધારાસભ્ય મેવાણીએ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ
ગુજરાત ન્યાય યાત્રા અમદાવાદ શહેરના માર્ગ પર નીકળી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના કાર્યકરોએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તકે સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સુતરની આંટી પહેરાવી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓ પહેલા અને બાદમાં સરકારે કરેલી કામગીરી અંગે આકરા આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચોઃવિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નો મુદ્દે હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Back to top button