મક્કામાં “ભારત જોડો યાત્રા”નું પોસ્ટર દર્શાવનાર રઝા કાદરીની છેવટે જેલમાંથી મુક્તિ
- રઝાએ પોસ્ટર સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો
- શેર કર્યાના ગણતરીના સમયમાં પોલીસે ધરપકડ કરી
- 8 મહિના જેલના સળિયા પાછળ દિવસો વિતાવવા પડ્યા
મધ્યપ્રદેશના રઝા કાદરીને સાઉદી અરેબિયા પોલીસે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું પોસ્ટર બતાવવા બદલ જેલમાં ધકેલી દીધા હતા. તેને 8 મહિના સુધી બંધ રાખવામાં આવ્યો અને સવારે અને સાંજે માત્ર બે રોટલી આપવામાં આવતી હતી. નિવારી જિલ્લાના યુથ કોંગ્રેસ પ્રમુખ રઝા કાદરી અને તેની દાદી શાહિદા બેગમ સાથે 21 જાન્યુઆરીએ હજ માટે ગયા હતા. પરિવારનો આરોપ છે કે ભારતીય દૂતાવાસે પણ તેમની મદદ કરી નથી. પરિવારના તમામ પ્રયાસો બાદ આખરે તે 4 ઓક્ટોબરે ઘરે પરત ફરવામાં સફળ રહ્યો હતો.
વાસ્તવમાં રઝા કાદરીએ પોતે આઠ મહિના પહેલાં મક્કાની મુલાકાત દરમિયાન મસ્જિદની અંદર આ ફોટો પડાવ્યો હતો અને એ સમયે જ તેની ધરપકડ થઈ હતી. ત્યારે પણ સમાચાર વાયલર થયા હતા, પરંતુ હવે તેણે મુક્ત થયા બાદ એક અખબારમાં તેની મુલાકાત છપાતા ફરીથી એ જ જૂના ફોટા અને સમાચાર વાયરલ થયા છે.
સાઉદી અરેબિયાના નિયમ તોડતા કરાઈ ધરપકડ
25 જાન્યુઆરીના રોજ રઝાએ ભારત જોડો યાત્રાના પોસ્ટરની સાથે મક્કાની હરમ મસ્જિદમાંથી એક ફોટો ક્લિક કર્યો હતો. આ પછી તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. રઝાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે- અમે 10 ફેબ્રુઆરી સુધીમાં ભારત પાછા ફરવાના હતા. 25મી જાન્યુઆરીએ ઉમરાહ દરમિયાન, મેં તિરંગા અને કોંગ્રેસની ભારત જોડો યાત્રાના પોસ્ટર સાથે ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યાના ગણતરીના સમય બાદ પોલીસે ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે, મેં સાઉદી અરેબિયાના નિયમો તોડ્યા છે.
8 મહિના સુધી જેલમાં બંધ રહ્યો
પૂછપરછમાં રઝાએ તિરંગા અને ભારત જોડો યાત્રાને લઈને બધું સ્પષ્ટ કર્યું. તેણે સ્વીકાર્યું કે નિયમોની જાણકારી ન હોવાને કારણે તેણે ભૂલ કરી હતી. તેેને ધાબાનની સેન્ટ્રલ જેલમાં બે મહિના સુધી અંધારપાટ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જેમાં સવાર-સાંજ બે બ્રેડ મળતા હતા તેમજ શારિરીક રીતે ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ દરમિયાન એક એજન્ટ મને મળવા આવ્યો. તેણે મને મુક્ત કરાવવા માટે મારા પરિવારના સભ્યો અને કોંગ્રેસ પાર્ટીએ તેમનો સંપર્ક કર્યો હતો. તેણે મને ખાતરી આપી કે તે મને બચાવશે.
આ કેસની તપાસ કરતી વખતે સાઉદી પોલીસને રઝા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તપાસમાં સાબિત થયું હતું કે તે સાઉદી અરેબિયા માટે કોઈ ખતરો નથી. જ્યારે એજન્ટે મદદ કરી, ત્યારે કાગળની કાર્યવાહી ઝડપી કરવામાં આવી હતી, ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. રઝાને આખરે આઠ મહિના પછી આઝાદી મળી. સાઉદી પોલીસ 3 ઓક્ટોબરે રઝાને એરપોર્ટ પર મૂકવા આવી હતી.
આ પણ વાંચો: રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા કાઢશે, ગુજરાતથી થશે શરુ, જાણો વધુ