કોંગ્રેસ સાંસદે અલગ દેશ બનાવવાની કરી વાત, ખડગેએ કરી સ્પષ્ટતા
- કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશએ આપેલી બજેટ પરની પ્રતિક્રિયા વિવાદિત બનતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરતાં કહ્યું, “જો કોઈ દેશને તોડવાની વાત કરશે, તો અમે તેને ક્યારેય સહન નહીં કરીએ, પછી ભલે તે કોઈપણ પક્ષનો હોય.”
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ પર વિરોધ પક્ષોએ નારાજગી વ્યક્ત કરી હતી. બધાએ કહ્યું છે કે સામાન્ય લોકોને રાહત આપવા માટે બજેટમાં કંઈ નથી. જો કે, કર્ણાટક કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ ડીકે સુરેશે બજેટ પરની પ્રતિક્રિયામાં કંઈક વધુ જ બોલી ગયા હતા. તેમણે દક્ષિણ ભારતને અલગ દેશ બનાવવાની વાત કરી લીધી, ત્યાર બાદ તેમના નિવેદન ભારે વિવાદ શરુ થયો હતો.
ડીકે સુરેશે શું કહ્યું?
વચગાળાના બજેટ પર બેંગલુરુના કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે કહ્યું હતું કે આ એક ચૂંટણી બજેટ છે. યોજનાઓના કેટલાક સંસ્કૃત નામો અને હિન્દી નામો રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર દક્ષિણ ભારતીય રાજ્યોને GST અને ડાયરેક્ટ ટેક્સમાંથી તેનો હિસ્સો નથી આપી રહ્યું. તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારતનાં રાજ્યો અન્યાયનો સામનો કરી રહ્યા છે. દક્ષિણના રાજ્યોમાંથી જે પૈસા ભેગા થાય છે તે ઉત્તર ભારતીય રાજ્યોને આપવામાં આવે છે. જો આમ જ ચાલુ રહેશે તો અમે અલગ દેશની માંગ કરવા મજબૂર થઈશું. કેન્દ્ર અમારી પાસેથી 4 લાખ કરોડ રૂપિયાથી વધુ મેળવી રહ્યું છે અને તેના બદલામાં અમને જે મળે છે તે નગણ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે આ પ્રશ્ન ઉઠાવવો પડશે. જો આને સુધારવામાં નહીં આવે તો દક્ષિણના તમામ રાજ્યોએ અલગ રાષ્ટ્રની માંગણી માટે અવાજ ઉઠાવવો પડશે.
ખડગેએ શું કહ્યું?
ડીકે સુરેશ દ્વારા અલગ દેશની માંગ પર શુક્રવારે રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ દેશને તોડવાની વાત કરશે, તો અમે તેને ક્યારેય સહન નહીં કરીએ, પછી ભલે તે કોઈપણ પક્ષનો હોય. તેમણે વધુમાં કહ્યું કે, “કન્યાકુમારીથી કાશ્મીર સુધી આપણે એક છીએ અને એક જ રહીશું.”
#WATCH | Congress president and LoP Rajya Sabha Mallikarjun Kharge speaks on Congress MP DK Suresh’s “…forced to demand a separate country” statement.
“…If anyone speaks about breaking the country, we will never tolerate it – irrespective of whichever party they belong to.… pic.twitter.com/LuR3cNjXaT
— ANI (@ANI) February 2, 2024
સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ: પ્રહલાદ જોશી
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું- “હું સોનિયા ગાંધી પાસેથી માફી માંગવા અને કાર્યવાહીની માંગ કરું છું. આ એક સાંસદ તરીકેના તેમના શપથનું ઉલ્લંઘન છે. હું વિનંતી કરું છું કે આ મામલો એથિક્સ કમિટીને મોકલવામાં આવે. કોંગ્રેસે કાર્યવાહી કરવી જોઈએ, જો તેઓ સંમત નહીં થાય તો પછી દેશ તમે પણ દેશના ‘ટુકડે ટુકડે’માં સામેલ છો તે સ્વીકારીશું.”
આ પણ વાંચો: મમતા બેનર્જી કોલકાતામાં કરશે વિરોધ પ્રદર્શન, જાણો શું છે સમગ્ર મામલો