મેવાણીનો સંઘવીને પડકારઃ સુરતમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢી બતાવો


ભાવનગર, તા. 5 જાન્યુઆરી, 2025: બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી અમરેલીની ઘટનામાં પાટીદાર સમાજની દિકરીને ભરબજારમાં વરઘોડો કાઢી અપમાનિત કરવામાં આવી હતી. આ બાબતનો ઉલ્લેખ કરીને તેમણે ગૃહ રાજ્ય મંત્રીને પડકાર ફેંક્યો હતો કે, સુરત વિગેરે શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢે તો માનીએ. તેમણે બંધારણ સર્વોપરી હોવાનું અને ન્યાયની લડત માટે સંઘર્ષ કરતા રહેવા કાર્યકરોને જણાવ્યું હતુ.
આજે ગઢડા (બોટાદ જિલ્લો ) ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી @shaktisinhgohil અને ધારાસભ્ય શ્રી @jigneshmevani80 ની અધ્યક્ષતામાં જન સભાનું આયોજન કરવામાં આવ્યું pic.twitter.com/xcbi2CKxRl
— Gujarat Congress (@INCGujarat) January 4, 2025
સભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની નીતિ રીતી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મત માટે હિન્દુ – મુસ્લિમ કરતી ભાજપ સરકાર જૂઠાણાનો વેપાર ચલાવે છે. વીસ વર્ષ પહેલા કપાસ 1400 રૂપિયામાં વેંચાતો ત્યારે ભાજપના લોકો કિસાનોની આવક બમણી કરી દેવાની વાત કરતા હતા. બાદમાં, ડીઝલ, દવા, ખાતરનો ભાવ વધતા ખર્ચ અનેકગણો વધ્યો હોવા છતાં કપાસના ભાવ વધ્યા નથી, ઉલ્ટાનું જી.એસ.ટી.ના મારથી ખેડૂતોની કમર તૂટી છે. ઉદ્યોગ જરૂરી છે પરંતુ ખેતી પ્રધાન દેશમાં ખેતીના ભોગે ઉદ્યોગો ન હોવા જોઈએ તેમ જણાવ્યું હતું.
સાંપ્રત રાજ્યમાં બનેલી સાંપ્રત ઘટનાઓનો ઉલ્લેખ કરી પેપર ફોડનારા, ડ્રગ્સની હેરાફેરી કરનાર, બળાત્કાર કરનારા ભાજપના કાર્યકરો નિકળ્યા હોવાનું જણાવી રામના નામે ચરી ખાતા રાવણોને પ્રજાએ ઓળખી લેવા અને સત્યને ઉજાગર કરવા ટકોર કરી હતી.
આ પણ વાંચોઃ Video: વિરાટ કોહલીએ એવો શું ઈશારો કર્યો કે ઑસ્ટ્રેલિયાના ફેંસ ચૂપ થઈ ગયા?