દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ ECમાં ફરિયાદ કરી, બોગસ વોટિંગના કાવતરું ઘડી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો


અમદાવાદઃ દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપના ઉમેદવાર કૌશિક જૈન દરિયાપુર વિધાનસભામાં અસામાજિકતત્વોને છૂટો દોર આપીને મતદારોને ધાક-ધમકી આપી રહ્યા છે. કૌશિક જૈન દ્વારા કેટલાક અસામાજિક તત્વો સાથે મિટિંગ કર્યો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે આ વિસ્તારમાં બૂટલેગરો મહિલાઓને ધમકાવી રહ્યા છે.
ગ્યાસુદ્દીન શેખે આ વીડિયોના આધારે આરોપ મૂક્યો છે કે કૌશિક જૈન ધાક-ધમકીથી બોગસ વોટિંગ કરાવવાનું કાવતરૂં ઘડી રહ્યા છે. તેમણે માગણી કરી છે કે પોલીસ આવા અસામાજિક તત્વો પર નજર રાખી લોકોને રક્ષણ આપે. તેમણે દરિયાપુર વિધાનસભાનો ચાર્જ ડીસીપીને સોપવાની માંગ પણ કરી છે જેથી અસામાજિક તત્વો કાબૂમાં આવે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે દરિયાપુરમાં અસામાજિક તત્વો આતંક ન ફેલાવે તે માટે આ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચાલુ કરી પોલીસ વીડિયોગ્રાફી કરે અને તમામ ગતિવિધી પર નજર રાખે.