અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ 150 થી વધુ ઝુપડાવાસીઓનાં ઝુંપડા તોડી બેઘર કરવા મુદ્દે કોંગ્રેસે AMC ડેપ્યુટી મ્યું. કમિશનરને રજૂઆત કરી

અમદાવાદ 10 જુલાઈ 2024 :અમદાવાદ શહેરના કેશવનગર સુભાષ બ્રિજ પાસે 150 થી વધુ ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોનાં ઘર કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. જેના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા કોંગ્રેસ ડેલિગેશન AMC ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યું હતું. જે અંગેની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સાંભળતા આ અંગે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી.

પીડિતો સાથે રજૂઆત કરવા કોંગ્રેસ ડેલિગેશન પહોંચ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેશવ નગર સુભાષ બ્રિજ પાસે આશરે 80 વર્ષથી રહેતા 150 જેટલી ઝુપડપટ્ટી તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવી છે. જે અંગે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે પીડિત લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને પોતા ઉપર વીતેલી પરિસ્થિતિનીનું વર્ણન ત્યાંના સ્થાનિક લોકોએ રડીને ડેપ્યુટી કમિશનરને કર્યું હતું. અને પોતાના માટે સ્નાન, પીવાના પાણી, શૌચની સાથે રહેવાની વૈકલ્પિક સુવિધા કરી આપવા માટે માંગણી કરી હતી.

શૌચ,સ્નાન,પીવાના પાણીની સુવિધા વગર રઝડી નાખ્યા

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે 150થી વધુ ઝૂંપડાવાસીઓને ભાજપ સરકારના ઇશારે કામ કરતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. હજુ એમને વૈકલ્પિક વ્યવસ્થા તો આપી નથી જ પરંતુ એમને શૌચ – સ્નાન – પીવાના પાણીની સુવિધા પણ વંચિત કરી રસ્તે રઝળતા કરી દીધા છે. જેમાંથી એકના ઘરે લગ્નના માંડવા બંધાયેલા હતા તેમજ કોઈના ઘરે મરણ થયું હતું છતાં કોઈપણ જાતની શેર શરમ રાખ્યા વગર જાણે આ લોકોનાં ભારતનાં બંધારણમાં કોઈ મૂળભૂત અધિકાર જ ન હોય એટલી તો શું જલદી હતી ઝૂંપડા ખાલી કરાવવાની?

તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે આ કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ અથવા તો કમિશનરે તાત્કાલિક ઓર્ડર આપ્યો હોય અને જો ઓર્ડર આપ્યો હોય તો આના કરતાં નિંદનીય કશું જ ન હોઈ શકે!! તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે દસ દિવસ બાદ વધુ એક વખત કોંગ્રેસ ડેલિગેશન આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત કરશે અને કાર્યવાહી અંગે રિપોર્ટ માંગશે.

આ પણ વાંચો : અમદાવાદ : સાબરમતીમાં ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડ માટે અદ્યતન રેસ્ટ રૂમ અને ભોજનની સુવિધા પણ મળશે

Back to top button