Breaking News: સોનિયા ગાંધી, ખડગે સહિત કોંગ્રેસના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપે
નવી દિલ્હી, 10 જાન્યુઆરી: કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. પાર્ટીએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી કાઢ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનારા આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત એક પણ કોંગ્રેસી નેતા અયોધ્યા નહીં જાય.
RSS-BJPએ રામ મંદિરને રાજનૈતિક પ્રોજેક્ટ બનાવ્યું: કોંગ્રેસ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ RSS અને BJPએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજનૈતિક પ્રોજેક્ટ બનાવી દીધું છે.
તેમણે જણાવ્યું કે બીજેપી અને આરએસએસના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદ્ધાટન સ્પષ્ટપણે ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે. 2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરીને અને ભગવાન રામના સમ્માન કરતાં લાખો લોકોની ભાવનાઓને માન આપીને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ RSS/BJP તરફથી આ કાર્યક્રમના આમંત્રણને સ્પષ્ટ અને આદરપૂર્વક નકારી કાઢ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી રામ મંદિરના અભિષેકમાં કોંગ્રેસની હાજરીને લઈને સતત અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે કોંગ્રેસના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ અભિષેક કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો છે અને કહ્યું છે કે એક અધૂરા મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર VHPનું કહેવું છે કે જો કોંગ્રેસ આવવા નથી માંગતી તો તે તેમની પસંદગી છે. અમે આમંત્રણ મોકલ્યા છે, જો તેઓ આવવા માંગતા ન હોય તો કોઈ વાંધો નથી.
રામલલાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે
રામલલાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થવાનો છે. જેમાં મુખ્ય યજમાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક સપ્તાહ પહેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ થશે. અભિષેક કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓએ અતિથિઓની યાદી ખૂબ જ ધ્યાન રાખીને તૈયાર કરી છે. લગભગ 150 કોમ્યુનિટીના લોકોને ગેસ્ટ લિસ્ટમાં સામેલ કરાયા છે.
આ પણ વાંચો: રામ મંદિર ઉદ્ઘાટન આમંત્રણ યાદીઃ ફિલ્મ અને ટીવી જગતના આ મોટા સ્ટાર્સ હાજરી આપશે