પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર ઉપર હુમલા પ્રકરણમાં કોંગ્રેસ નેતાઓ નિર્દોષ
રાજકોટ ખાતે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓનું ટોળું ધસી આવ્યું હતું અને તેઓએ હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી. આ અંગેનો કેસ દાખલ થયો હોય જે કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે તમામ કોંગ્રેસી નેતાઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
શું હતો સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ, 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન શહેરના 150 ફૂટ રિંગરોડ આસપાસના વિસ્તારમાં કોંગ્રેસના પશ્ચિમ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂના ભાઈ સાથે અજાણ્યા શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ઇજા પહોંચાડવામાં આવી હતી. જેના પગલે ઈન્દ્રનીલ રાજગુરૂએ ઘટનાસ્થળે જઈ દેકારો મચાવ્યો હતો.
વિજયભાઈ ઉપર હુમલાનો આરોપ
દરમિયાન રાજગુરૂએ આ હુમલા પાછળ તેના વિરોધી ઉમેદવાર અને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના કાર્યકરોને જવાબદાર ઠેરવી કોંગ્રેસી નેતા અને કાર્યકરોનું આખું ટોળું લઈ તેમના ઘરે પહોંચ્યા હતા જ્યાં ઘર બહાર દેકારો મચાવી તોડફોડ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યકરોની અટક કરી
બનાવના પગલે નેતા નીતિનભાઈ ભારદ્વાજ સહિતનાઓ વિજયભાઈના ઘરે દોડી ગયા હતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને દેકારો કરનાર કાર્યકરો તેમજ નેતાઓની અટકાયત કરી હતી. બાદમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કોને-કોને નિર્દોષ છોડી મુકાયા ?
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈન્દ્રનીલના ભાઈ પર હુમલો થયા બાદ કોંગ્રેસનુ ટોળુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે ધસી ગયુ હતુ. આ બનાવમાં ઈન્દ્રનીલ રાજયગુરૂ, મહેશ રાજપુત, જગદીશ રબારી, ભાવેશ બોરીચા, તુષાર પટેલ, મિતુલ દોંગા તથા હેમંત વીરડા સામેનો કેસ ચાલી ગયો હતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આજે આ કેસમાં અદાલતે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.