ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટક વિધાનસભામાં સાવરકરની તસવીર લગાડવામાં આવતા બબાલ, ધરણાં પર બેઠા કોંગ્રેસના નેતા

Text To Speech

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાના હોલમાં વીર સાવરકરની તસવીર લગાડવાને લઈને બબાલ શરૂ થઈ ગઈ છે. તેના વિરૂદ્ધ વિપક્ષના નેતા સિદ્ધારમૈયા તેમજ અન્ય નેતાઓએ વિધાનસભાની બહાર ધરણાં કરીને વિરોધ પ્રગટ કર્યો. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષ ભાજપ ઈચ્છે છે કે ગૃહની કાર્યવાહી ન ચાલે. તેથી તેઓ વિધ્ન ઊભા કરે છે.

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય ડીકે શિવકુમારે કહ્યું કે- અમે સરકાર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના અનેક મુદ્દા ઉઠાવવા માગતા હતા, તેથી તેઓ આ તસવીર લઈને આવ્યા અને વિવાદ ઊભો કરી દીધો. તેમનો વિકાસનો કોઈ જ એજન્ડા નથી.

વાલ્મીકિ, આંબેડકર અને પટેલની પણ તસવીર લગાડો
કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ સ્પીકરને પત્ર લખીને માગ કરી કે ગૃહમાં વાલ્મીકિ, બાસવન્ના, કનક દાસ, બીઆર આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓની તસવીર લગાડો.

સાવરકર વિવાદિત વ્યક્તિત્વઃ સિદ્ધારમૈયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ સાવરકરને વિવાદિત વ્યક્તિત્વવાળા ગણાવ્યા. તેમનું કહેવું છે કે આ તસવીરના અનાવરણને લઈને મને કોઈ આમંત્રણ અપાયું હતું. આ ભાજપનો એજન્ડા છે. તેમણે આરોપ લગાવ્યો કે સાવરકર મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ હતા. તેઓ એક વિવાદિત વ્યક્તિત્વ ધરાવતા હતા.

આ કોઈ પહેલો પ્રસંગ નથી જ્યારે દેશમાં વીર સાવરકરને લઈને વિવાદ થયો હોય. આ પહેલાં પણ અનેક વખતે દેશમાં વિવાદ ઊભા થયા છે. હાલમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે- દેશમાં એક તરફ વીર સાવરકર છે અને બીજી બાજુ મહાત્મા ગાંધીના વિચારોની લડાઈ.

Back to top button