ટોપ ન્યૂઝનેશનલ

પ્રેસ કોન્ફરન્સમાં બોલતા-બોલતા કોંગ્રેસ નેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ ; જુઓ- વીડિયો

બેંગલુરુ, 19 ઓગસ્ટ: કર્ણાટકની રાજધાની બેંગલુરુના પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના એક નેતાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર નેતાનું નામ સીકે ​​રવિચંદ્રન છે. તેઓ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી સંઘના સભ્ય હતા. તેઓ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવાના વિરોધમાં બેંગલુરુ પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ ઘટના અંગે ‘X’ પર પોસ્ટ કરી છે.

તેમણે લખ્યું, “રાજ્યપાલ દ્વારા કાર્યવાહીના આદેશ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી એસોસિએશન વતી બેંગલુરુ પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે, એસોસિએશનના સભ્ય અને અમારી પાર્ટીના કાર્યકર સીકે ​​રવિચંદ્રનનું મૃત્યુ થયું. સંવિધાન અને લોકશાહીને બચાવવાની આ લડાઈમાં અમારા સાથી એવા રવિચંદ્રનના અકાળ અવસાનથી હું ખૂબ જ દુઃખી છું. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. હું તેમના દુ:ખની ઘડીમાં તેમના શોકગ્રસ્ત પરિવાર અને મિત્રો સાથે છું.”

નોંધનીય છે કે, આ દિવસોમાં કર્ણાટકમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) ની જમીન ફાળવણીમાં કથિત અનિયમિતતા અંગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે તપાસને મંજૂરી આપતાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો સોમવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જિલ્લા મથકે ધરણાં કર્યા, પગપાળા કૂચ કરી અને રેલીઓનું આયોજન કર્યું. તેઓએ રાજ્યપાલના પગલાની નિંદા કરતા તેમના હાથમાં પ્લેકાર્ડ પકડ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ સાથે જ ભાજપના નેતાઓએ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેંગલુરુ, ઉડુપી, મેંગલુરુ, હુબલી-ધારવાડ, વિજયપુરા, કાલાબુર્ગી, રાયચુર, તુમકુરુ અને મૈસૂરુ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે આ મામલે સીએમ સિદ્ધારમૈયાને મોટી રાહત આપી છે અને આગામી આદેશ સુધી તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીના અમલ પર રોક લગાવી દીધી છે. રાજ્યપાલના આદેશ સામે સિદ્ધારમૈયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચોઃ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતઃ ગંભીર કાવતરાના પુરાવા મળ્યા, જૂઓ ફોટા

Back to top button