અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમિત ચાવડાનું ટ્વિટ: ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?

Text To Speech

અમદાવાદ, તા. 18 જાન્યુઆરી, 2025ઃ ખ્યાતિ કાંડના ડાયરેક્ટર કાર્તિક પટેલની આજે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક પટેલ ઝડપાયા બાદ કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું દીકરી પાયલનો બજારમાં વરઘોડો કાઢવા વાળી ભાજપ સરકારમાં, પૈસા માટે અનેક લોકોના જીવ લેનાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની હિંમત છે?

કાર્તિક પટેલે પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

આ દરમિયાન કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે કહ્યું કે, તેની બીમાર પત્નીની સારવાર માટે દુબઈથી અમદાવાદ આવ્યો હતો. ઘટના બની તે સમયે ઑસ્ટ્રેલિયામાં હતો. આ પછી દુબઈ આવ્યો હતો અને સંબંધીઓના ઘરે રોકાયો હતો. હૉસ્પિટલમાં નુકસાન બતાવવા તે ખોટા ખર્ચ બતાવતો હતો તેમજ વધુ ખર્ચ બતાવવા માટે ડૉક્ટરો તથા ડાયરેક્ટરની સેલરી પણ દર વર્ષે વધારતો હતો. પકડાઈ જવાના ડરથી તેણે મોબાઇલ પણ બદલી નાંખ્યો હતો.

ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ સૌથી પહેલા ડો. વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી અને પછી ક્રમશઃ અન્ય સાત આરોપી ઝડપાયા હતા. અંતિમ આરોપી કાર્તિક પટેલ પણ ઝડપાયો હતો. આરોપીઓની એક સાથે પૂછપરછમાં અનેક રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે.

આ પણ વાંચોઃ Champions Trophy માં 4 ગુજરાતીને સ્થાન, આ 5 ખેલાડીનુ રોળાયું સપનું

Back to top button