ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ કી લૂંટઃ જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી, પિત્રોડાના નિવેદન પર PM મોદીનો પ્રહાર

  • કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ વારસાગત કરની હિમાયત કરી હતી જેના પર PMએ કોંગ્રેસને ઘેરી
  • તેઓ(કોંગ્રેસ) નથી ઈચ્છતા કે તમે તમારી મિલકત તમારા બાળકોને આપો: PM મોદી
  • ગૃહમંત્રી અમિત શાહે પણ કોંગ્રેસની ઝાટકણી કાઢી

સરગુજા(છત્તીસગઢ), 24 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે છત્તીસગઢના સરગુજામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીના વિશ્વાસુ અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના વારસાગત ટેક્સને લઈને આપેલા નિવેદન પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાસે એક જ મંત્ર છે. જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી કોંગ્રેસ કી લૂંટ. કોંગ્રેસના ઈરાદા સારા નથી. હવે તેના ખતરનાક ઈરાદાઓ ખુલ્લેઆમ બધાની સામે આવી રહ્યા છે. તેથી હવે તેઓ વારસાગત કર વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસ તમારી કમાણી, તમારાં ઘર, દુકાનો, ખેતરો પર નજર રાખી રહી છે. કોંગ્રેસના રાજકુમાર કહે છે કે તેઓ દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે. આપણી માતાઓ અને બહેનો પાસે જે નાનું સ્ત્રીધન છે તે ઘરેણાં અને જ્વેલરી છે. કોંગ્રેસ તેમની પણ તપાસ કરાવશે. તે માતા અને બહેનોના મંગળસૂત્ર પણ છીનવી લેશે.

 

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ તમારા માતા-પિતાનો વારસો છીનવી લેશે. તેઓ વારસાગત કર લાદશે. તેઓ નથી ઇચ્છતા કે તમારા બાળકોને તમે તમારી મહેનત દ્વારા ભેગી કરેલી સંપત્તિનો વારસો આપો. તેઓ નથી ઈચ્છતા કે ભારતીયો તેમની મિલકત તેમના બાળકોને આપે. આ પાર્ટી શહેરી નક્સલીઓના નિયંત્રણમાં છે. તેઓ તમારી બધી દુકાનો અને ઘરો છીનવી લેશે.”

કોંગ્રેસ કી લૂંટઃ જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ પાસે એક જ મંત્ર છે. કોંગ્રેસ કી લૂંટઃ જિંદગી કે સાથ ભી, જિંંદગી કે બાદ ભી. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને ઊંચા કર વડે મારશે અને જ્યારે તમે જીવશો નહીં, ત્યારે તમારા પર વારસાગત કરનો બોજ લાદશે. જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પોતાની પૈતૃક સંપત્તિ માનતા હતા અને પોતાના સંતાનોને આપી દેતા હતા, હવે તેઓ નથી ઈચ્છતા કે ભારતીયો તેમની મિલકત તેમના સંતાનોને આપે.

 

મોદીએ કહ્યું, અહીં સરગુજામાં આપણી આદિવાસી માતાઓ અને બહેનો હંસુલી અને મંગળસૂત્ર પહેરે છે. કોંગ્રેસ તમારી પાસેથી આ બધું છીનવીને વહેંચશે. શું તમે જાણો છો કે કોંગ્રેસ આ બધું છીનવીને કોને આપશે? શું તમે જાણો છો કે તમારી પાસેથી લૂંટ્યા પછી તે કોને આપવામાં આવશે? મારે કહેવાની જરૂર નથી. પણ શું તમે તમારી જાતને આ પાપ કરવા દેશો? કોંગ્રેસનું કહેવું છે કે સત્તામાં આવ્યા બાદ તે એક પછી એક ક્રાંતિકારી પગલાં લેશે. પરંતુ કોંગ્રેસને ખબર નથી કે તેમની આ યોજનાઓ સફળ નહીં થાય. દેશની જનતા તમને આવી તક નહીં આપે.

 

અમિત શાહે પણ કોંગ્રેસ પર સાધ્યું હતું નિશાન 

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે, આજે પિત્રોડાના નિવેદનથી દેશ સમક્ષ કોંગ્રેસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ ગયો છે. પહેલા તેમના મેનિફેસ્ટોમાં ‘સર્વેક્ષણ’નો ઉલ્લેખ, મનમોહન સિંહનું જૂનું નિવેદન કે જે કોંગ્રેસનો વારસો છે “દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે” અને હવે સંપત્તિની વહેંચણી પર અમેરિકાને ટાંકીને સામ પિત્રોડાની ટિપ્પણી પર ચર્ચા-વિચારણા થવી જોઈએ.

 

અમિત શાહે કહ્યું કે, સામ પિત્રોડાએ તેમનો(કોંગ્રેસ) ઘોષણાપત્ર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે સમગ્ર કોંગ્રેસ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બેકફૂટ પર આવી ગયા હતા.

નિવેદનો શું હતા?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે, જો ચૂંટણી બાદ તેમની સરકાર સત્તામાં આવશે તો સર્વે કરવામાં આવશે અને કોની પાસે કેટલી સંપત્તિ છે તે જાણવા મળશે. જ્યારે સામ પિત્રોડાને તેમના નિવેદન વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે અમેરિકામાં લાદવામાં આવેલા વારસાગત ટેક્સનો ઉલ્લેખ કર્યો.

પિત્રોડાએ કહ્યું કે, “અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે. તો તેમના મૃત્યુ પછી, 45 ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે. આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. આ હેઠળ, એવી જોગવાઈ છે કે, તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી, તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. આખી મિલકત નહીં પણ અડધી, જે મને યોગ્ય લાગે છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ છે. તો તેના મૃત્યુ પછી, તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, જનતા માટે કંઈ જ બચતું નથી. મને લાગે છે કે, લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે, આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ, જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ લોકોના હિતમાં હોવા જોઈએ.

આ પણ જુઓ: રાહુલ ગાંધીના વિશ્વાસુ અને અમેરિકી નાગરિક સામ પિત્રોડાનું ભારતમાં વારસાગત સંપત્તિ ઉપર ટેક્સ લગાવવાનું વિવાદી સૂચન

Back to top button