અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રામમંદિર આમંત્રણ વિવાદ વચ્ચે કોંગ્રેસ પ્રભારી તાત્કાલિક બે દિવસના ગુજરાત પ્રવાસે દોડી આવ્યા

અમદાવાદ, 15 જાન્યુઆરી 2024, વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટી ગુજરાત મુક્ત થઈ જવાની તૈયારીમાં હોય તેવી સ્થિતિમાં આવી ગઈ છે. હવે આ કોંગ્રેસને બેઠી કરવા માટે શક્તિસિંહ ગોહિલ જેવા શક્તિશાળી નેતાઓને પદભાર સોંપવામાં આવ્યો છે. એક તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાજપની નીતિ સ્પષ્ટ થઈ ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરીને અનેક રાજકીય સવાલો ઉભા કર્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસના નેતાઓમાં આ મુદ્દે બે ફાંટા પડી ગયાં છે. એવામાં હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તાત્કાલિક બે દિવસના પ્રવાસે દોડી આવ્યાં છે.

શહેર અને જિલ્લાના 50થી વધુ આગેવાનો સાથે ચર્ચાઓ કરશે
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક આવતીકાલે મંગળવારથી બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ કોંગ્રેસના શહેર અને જિલ્લાના નેતાઓ સાથે બેઠક યોજવાના છે. તે ઉપરાંત શહેર અને જિલ્લાના 50થી વધુ આગેવાનો સાથે ચર્ચાઓ કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં જ જિલ્લા અને રાજ્ય સ્તરના સંમેલનો અંગે કાર્યકરો અને પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ આ વખતે ગુજરાતમાંથી પસાર થવાની છે તેને લઈને પણ ચર્ચાઓ હાથ ધરાશે. તેમજ ડોનેટ ફોર દેશ અંગે પણ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે.

આ સ્થાનો પર કાર્યકરો અને નેતાઓને મળશે
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધી ગાંધીનગર, મહેસાણા , સાબરકાંઠા , બનાસકાંઠા, અને પાટણ ની બેઠક યોજશે. બપોરે 2 થી રાત્રે 9 કચ્છ , ડાંગ, તાપી , વલસાડ, નવસારી , દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર અને વડોદરાની બેઠક યોજાશે. 17 જાન્યુઆરી સવારે 11 થી 2 ખેડા , આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જુનાગઢ, ભાવનગરની બેઠક યોજાશે. જ્યારે બપોરે 2 થી 9 પોરબંદર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ અને અમદાવાદની બેઠક યોજાશે.

રામ મંદર મુદ્દે થયેલો વિવાદ શમાવી દેવા પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા પાડી દીધા છે. જેના લધે હવે નેતાઓ કોંગ્રેસ રામ વિરોધી નથી તે સાબિત કરવામાં લાગી ગયાં છે. વિધાનસભાની ચૂંટણી બાદ માંડ માંડ બેઠી થવા જઈ રહેલી કોંગ્રેસ પાર્ટી હવે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરીને ફરીવાર પછડાટ ખાઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ હવે લોકોને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ગયાં છે. આવતીકાલથી આવી રહેલા મુકુલ વાસનીક કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક યોજીને ડેમેજ કંટ્રોલ કરશે.

આ પણ વાંચોઃ માયાવતીએ કરી મોટી જાહેરાત, BSP લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે

Back to top button