કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

રાજકોટમાં યોજાઈ કોંગ્રેસની વિશાળ પરિવર્તન રેલી

Text To Speech

છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશમાં મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સ સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરી રેલી, આંદોલન અને દેખાવો યોજવામાં આવી રહ્યા છે જેના પગલે આજરોજ રાજકોટના ચૌધરી હાઇસ્કૂલથી જિલ્લા કલેકટર કચેરી સુધી શહેર કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. બાદમાં કલેકટરને ધારાસભ્ય લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, અશોક ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, એનએસયુઆઇના રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર,ધરણા કરી મોંઘવારી અને બેરોજગારી સામે હલ્લાબોલ કર્યું હતું.

વિધાનસભા સત્રમાં મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતુ કે, બે દિવસીય વિધાનસભા સત્રમાં મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કલેકટર કચેરીમાં પત્રકારોને જણાવ્યું હતુ કે, બે દિવસીય વિધાનસભા સત્રમાં સત્તાના જોરે સંવિધાનથી ઉપર ઉઠી પ્રશ્નોત્તરી જ રદ કરી દેવામાં આવશે. ગુજરાતમાં ડ્રગ્સ કયાંથી આવે છે અને કેટલુ પકડાયું ? તે મુદ્દો વિધાનસભામાં ઉઠાવી સરકારને ઘેરવામાં આવશે.

ગુજરાતના ઉચ્ચ શિક્ષિત યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે

જિલ્લા કલેકટરને આપેલા આવેદનમાં દર્શાવ્યું હતુ કે, આજે સમગ્ર ગુજરાતના ઉચ્ચ શિક્ષિત યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. દિન-પ્રતિદિન રાજ્યમાં શિક્ષિત બેરોજગારીની ફૌજ વધતી જાય છે. પીએચ.ડી. કે નેટ સ્લેટ પાસ યુવાનો મામૂલી પગારની નોકરી મેળવવા માટે પણ વલખાં મારે છે. લાંબા સમયથી કાયમી સરકારી ભરતીઓ બંધ છે. ફિકસ પગારના નામે યુવાનોનું શોષણ થઇ રહ્યું છે. સરકારી ભરતી માટે લેવાતી પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટના પણ કાયમી બની ગઇ છે. રાજ્યના હતાશ અને નિરાશ યુવાનોના આક્રોશનો પડઘો આ પરિવર્તન રેલી સ્વરૂપે જોવા મળી રહ્યો છે.

અવનવા ગતકડાંઓ થકી સરકાર જનતાને ખુલ્લેઆમ લૂંટી રહી છે

એક તરફ બેકારીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી તરફ ઇ-મેમો, હેલ્મેટ કે અન્ય અવનવા ગતકડાંઓ થકી સરકાર જનતાને ખુલ્લેઆમ લૂંટી રહી છે. આટલું ઓછુ હોય તેમ ખાદ્ય પદાર્થોથી માંડીને પેટ્રોલ-ડીઝલ સુધી તમામ ચીજવસ્તુઓના ભાવ રોકેટ ગતિએ વધતા જ રહે છે. મોંઘવારીના વિષચક્રમાં મજૂરથી માંડીને મધ્યમવર્ગ પીસાઇ રહ્યો છે. ખેત ઉત્પાદનનાં પુરતા ભાવો મળતા નથી ખાતરથી માંડીને ખેત ઓઝાર સુધી તમામ વસ્તુઓના ભાવો ડબલથી પણ વધારે થઇ જવાથી ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આવીજ દયનીય હાલત નાના ઉદ્યોગકારો અને વેપારીઓની છે. જીએસટીના ગાળિયામાં ફસાયેલો વેપારી વર્ગ અને નાના ઉદ્યોગકારો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે છતાંય ભાજપ સરકાર લાખો-કરોડોના ખર્ચ કરીને વાહ-વાહ કરવામાંથી બાકાત રહેતી નથી.

ગુજરાતનો દરિયાઇ વિસ્તાર જાણે ધણીધોરી વગરનો થયો છે

ગાંધીના ગુજરાતમાં અનેક લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ સામાન્ય બનવા લાગી છે. આટલું ઓછું હોય તેમ કચ્છના મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો શરુ થયો છે. ગુજરાતનો દરિયાઇ વિસ્તાર જાણે ધણીધોરી વગરનો હોય તેમ કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળવા લાગ્યું છે. મેટ્રો સિટીમાં યુવાનોમાં ડ્રગ્સનો નશો કરવાનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે ત્યારે ઉડતા પંજાબની ઉપમા હવે ઉડતા ગુજરાતના નામે બોલાવા લાગી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં એક મોટુ જન આંદોલન કોંગ્રેસ દ્વારા ઉભુ કરાશે તેમ મોઢવાડિયાએ ઉમેર્યું હતું.

કોંગ્રેસની પરિવર્તન રેલીમાં પણ પરિવર્તન જોવા મળ્યું : અમુક ધારાસભ્યોની સૂચક ગેરહાજરી

રાજકોટમાં આજે શહેરના ચૌધરી હાઇસ્કૂલથી કોંગ્રેસની પગપાળા પરિવર્તન રેલી શરુ થઇ હતી અને કલેકટર કચેરી સુધી પહોંચી હતી, રેલીમાં અસંખ્ય મહિલા-પુરૂષ તેમજ કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, ધારાસભ્ય વિગેરે જોડાયા હતા. જો કે, ઉપરોકત પરિવર્તન રેલીમાં અમુક ધારાસભ્યોની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી ધારાસભ્ય લલિત વસોયા હાજર રહ્યા ન હતા, ઉપરોકત પરિવર્તન રેલીમાં ધારાસભ્ય લલિત કગથરા, પિરજાદાના સમર્થકો, નૌશાદ સોલંકી, ઋત્વિજ મકવાણા સહિતના ધારાસભ્યો હાજર રહ્યા હતા. લલિત વસોયાની ગેરહાજરી મામલે લલિત કગથરાએ જણાવ્યું હતુ કે લલિત કગથરામાં તમામને લલિત વસોયા દેખાશે…!

Back to top button