ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિપક્ષમાંથી ભાજપમાં આવવા માટે વૉશિંગ મશીનનું કોંગ્રેસે આપ્યું ડેમોન્સટ્રેશન

  • લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા પવન ખેડાએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા 

નવી દિલ્હી, 30 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા પવન ખેડાએ આજે શનિવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમની સામેના ટેબલ પર એક વૉશિંગ મશીન રાખવામાં આવ્યું હતું. આ ટેબલ પર BJP વૉશિંગ મશીન લખેલું હતું. જેને દેખાડીને પવન ખેડાએ કહ્યું કે, કરોડોના કૌભાંડના આરોપી એવા નેતાઓને ભાજપ પાર્ટીમાં સામેલ કરે છે અને તેમની વિરુધ્ધના કેસ પાછા ખેંચે છે. ભાજપ પાસે એવું વૉશિંગ મશીન છે જેમાં 10 વર્ષ જૂનો કેસ મુકો તો પણ આરોપી સાફ નીકળી જાય છે. મશીનમાં મોદી વૉશિંગ મશીન દ્વારા આ ચમત્કાર કરવામાં આવે છે. વિપક્ષી નેતાઓ પર 51 કેસ અને તેમના નેતાઓ વિરુદ્ધ 20 કેસ, પરંતુ એકમાં પણ કોઈ કાર્યવાહી નહીં.

 

ખેડાએ એક પેપર પણ જારી કરીને આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ જેવી કે CBI, ED અને આવકવેરા વિભાગનો વિપક્ષી નેતાઓને ડરાવવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે ન તો તમને આવી વૉશિંગ મશીન વેચી શકીશું અને ન તો તમે ખરીદી શકશો, કારણ કે 8,552 કરોડની કિંમતનું આ મશીન માત્ર એક જ વ્યક્તિ રાખી શકે છે, તેનું નામ છે નરેન્દ્ર મોદી.

ખેડાએ ભાજપમાં જોડાઈને સ્વચ્છ થયેલાના નેતાઓન નામ ગણાવ્યા 

ખેડાએ વિપક્ષના 51 કેસો ગણાવ્યા જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સિવાય તેમણે 20 કેસ ગણાવ્યા જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ અને તેમની નજીકના પક્ષો સામે કેસ નોંધાયા હતા, પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ખેડાએ જે નેતાઓના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં મુકુલ રોય, સુવેન્દુ અધિકારી, મિથુન ચક્રવર્તી, સોવન ચેટર્જી, વાયએસ ચૌધરી, જગન રેડ્ડીનો સમાવેશ થાય છે.

ખેડાએ જણાવ્યું હતું કે, NCPના નેતા પ્રફુલ્લ પટેલ તેનું જીવંત ઉદાહરણ છે. ભાજપે તેમના પર અબજો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જ્યારે તેઓ NCP તોડીને ભાજપમાં જોડાયા ત્યારે તેમના તમામ દાગ સાફ થઈ ગયા. આસામના CM હિમંતા સરમાની કહાની પણ આવી જ છે.

પ્રફુલ્લ પટેલ વોશિંગ મશીનમાં ગયા અને સાફ થઈને બહાર આવ્યા: ખેડા

ખેડાએ કહ્યું કે. CBIએ પ્રફુલ પટેલ વિરુદ્ધનો કેસ બંધ કરી દીધો છે. તેઓ થોડા મહિના પહેલા જ બીજેપી ગઠબંધનમાં જોડાયા હતા. પ્રફુલ્લ પટેલ વોશિંગ મશીનમાં ગયા અને સાફ થઈને બહાર આવ્યા. આ માત્ર એક નામ નથી પરંતુ આવા 21 નામ છે.

ભાજપે પ્રફુલ્લ પટેલ પર આરોપ લગાવ્યો હતો કે, એર ઈન્ડિયાએ લીઝ પર વિમાન લેવાની કોઈ જરૂર નથી. પરંતુ તેમ છતાં એરોપ્લેન લેવામાં આવ્યા, જેના કારણે 3000 કરોડથી વધુનું નુકસાન થયું. અમને પૈસા મળી ગયા હોવાનું કહેવામાં આવ્યું. તત્કાલીન CAG વિનોદ રોયે અયોગ્ય ટિપ્પણી કરી હતી, પરંતુ જો ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો ખોટા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દેશની માફી માંગવી જોઈએ.

મોદી સરકારે પોતાના રાજકીય વિસ્તરણ માટે ED, IT, CBI જેવી સ્વતંત્ર સંસ્થાઓનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. કંપનીઓ પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ વસૂલવા માટે EDનો દુરુપયોગ હોય કે 30 વર્ષ જૂની નોટિસો દ્વારા મુખ્ય વિરોધ પક્ષોને હેરાન કરવા માટે આવકવેરા વિભાગનો ઉપયોગ હોય, ભાજપ સંસ્થાઓને નબળી પાડવાની આદતન ગુનેગાર બની ગઈ છે.

કોંગ્રેસને ITની રૂ. 1700 કરોડની નોટિસ

આવકવેરા વિભાગે 29 માર્ચે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નવી ડિમાન્ડ નોટિસ જારી કરી હતી. અહેવાલો અનુસાર, આ ડિમાન્ડ નોટિસ 2017-18થી 2020-21ની છે. જેમાં વ્યાજની સાથે દંડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ તરફથી કોંગ્રેસને મળેલી નોટિસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે સરકાર બદલાશે ત્યારે ‘લોકતંત્રને વિખેરી નાખનારા’ લોકો વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. આ મારી ગેરંટી છે.

આ પણ જુઓ: કોંગ્રેસે નવી યાદી કરી જાહેર, રાજસ્થાનમાં બદલ્યા બે ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ

Back to top button