ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસની આર્થિક મુશ્કેલી વધી, બેંક ખાતા પર ITની કાર્યવાહી પર સ્ટે ન મળ્યો

Text To Speech

નવી દિલ્હી, 8 માર્ચ, 2024: કોંગ્રેસ પક્ષની આર્થિક મુશ્કેલી આગામી થોડા સમય સુધી યથાવત્ રહેશે એવું લાગે છે, કેમ કે પક્ષના બેંક ખાતા વિરુદ્ધ આવકવેરા વિભાગની કાર્યવાહી ઉપર સ્ટે આપવાની દાદ માગતી પક્ષની અરજી આવકવેરા ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે.

વાસ્તવમાં, આવકવેરા વિભાગે યુવા કોંગ્રેસ સાથે જોડાયેલાં ચાર બેંક ખાતાં થોડા સમય પહેલાં ફ્રીઝ કરી દીધા હતા. આઈટી વિભાગ દ્વારા 210 કરોડ રૂપિયાની રિકવરી કાઢવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે દંડરૂપે આ રકમ આઈટી વિભાગને આપવાની થાય છે. આઈટી વિભાગના આ આદેશની સામે પક્ષે આવકવેરા ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી જેને આજે શુક્રવારે નકારી કાઢવામાં આવી હતી.

વાંચો અહીં : કોંગ્રેસના તમામ બેંક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હોવાનો પક્ષનો આક્ષેપ

ટ્રિબ્લુનલના આદેશ બાદ જોકે કોંગ્રેસના વકીલ વિવેક તન્ખાએ આ આદેશને 10 દિવસ સ્થગિત કરવાની રજૂઆત પણ કરી હતી. કોંગ્રેસના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે, પક્ષને દસ દિવસનો સમય આપવામાં આવે જેથી તેઓ ટ્રિબ્યુનલના આદેશની સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. જોકે, ટ્રિબ્યુનલે આ વિનંતી પણ એમ કહીને ઠુકરાવી દીધી હતી કે ટ્રિબ્યુનલ પાસે આ રીતે 10 દિવસનો સમય આપવાનો અધિકાર નથી.

કોંગ્રેસ વિરુદ્ધનો આ કેસ 2018-2019ના આઈટી રિટર્નને લગતો છે. આઈટી વિભાગે કોંગ્રેસ ઉપર 210 કરોડના દંડની રિકવરી માગી છે. પક્ષના વરિષ્ઠ નેતા અજય માકનના જણાવ્યા મુજબ, યુથ કોંગ્રેસના બેંક ખાતાં સામે આ પગલું લેવાયું તેનાં બે કારણ છે – એક તો પક્ષે 31 ડિસેમ્બર, 2019 સુધીમાં બેંક ખાતાને લગતી જાણકારી આવકવેરા વિભાગને આપવાની હતી, પરંતુ કોંગ્રેસે ત્યારે જાણકારી આપવામાં 40-45 દિવસ મોડું કર્યું હતું. બીજું, 2018-19માં ચૂંટણી હતી અને એ કારણે 199 કરોડનો ખર્ચ થયો હતો. આ માટે કોંગ્રેસના સંસદસભ્યો અને ધારાસભ્યોએ 14 લાખ કરતાં વધુની રકમ રોકડમાં જમા કરાવી હતી. આમ રોકડ વ્યવહાર થયો હોવાથી આવકવેરા વિભાગે દંડ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ નિતિન ગડકરીને આપી ઑફર, શું રાજકીય ટ્વિસ્ટના એંધાણ?

Back to top button