અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા આંતરિક કલેશને કારણે પાટીદાર નેતા હાર્દિક પટેલ ટૂંક સમયમાં પક્ષપલટો કરી શકે છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં પોતાનું સ્થાન પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હવે લાગે છે કે ‘સૌથી જૂની’ પાર્ટીના દરવાજા તેના માટે બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં હાર્દિક સમક્ષ બીજેપી સિવાય એકમાત્ર બીજો વિકલ્પ ગુજરાતમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
મળતી માહિતી પ્રમાણે, હાર્દિક પટેલને ભાજપમાં સામેલ કરવા માટે પાર્ટીના ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે અને RSSના ટોચના નેતાઓ તેમાં સક્રિય છે. હાર્દિક પટેલ પાટીદાર સમાજના યુવા ચહેરાનું પ્રતિનિધિત્વ કરે છે. હકીકતમાં, 2015માં પાટીદાર આંદોલન થયું હતું. જેમાં પાટીદાર સમાજને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી. હાર્દિક પટેલ આ આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક હતા.
હાર્દિક નરેશ પટેલને મળ્યો હતો
15મી મેના રોજ ઉદયપુરમાં કોંગ્રેસના ટોચના નેતાઓના ત્રણ દિવસીય મંથન સત્રમાં હાજરી ન આપનાર ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા નરેશ પટેલને મળ્યા હતા અને તેમને રાજકારણમાં જોડાવાનો નિર્ણય લેવા જણાવ્યું હતું. ગુજરાતમાં નિર્ણાયક વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે પાટીદાર નેતા અલગ થઈ રહ્યા હોવાની ચર્ચા વચ્ચે આ બેઠક મહત્ત્વપૂર્ણ છે.
હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર આંદોલનના નેતાઓ અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા 15 મેના રોજ સૌરાષ્ટ્રમાં નરેશ પટેલને મળ્યા હતા. 28 વર્ષીય નેતા જાહેરમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી તેમને અને અન્ય યુવા નેતાઓને પાર્ટીમાં કામ ન કરવા દેવા બદલ નારાજ છે.
ઉદયપુરમાં કૉંગ્રેસનું મંથન સત્ર ચાલી રહ્યું હતું ત્યારે પટેલે પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા અનેક ટીવી ઇન્ટરવ્યુ આપ્યા હતા અને કહ્યું, તેઓ અને અન્ય લોકો નિરાશ થયા છે. કારણ કે પાર્ટીએ તેમને અને અન્ય લોકોને શાસક પક્ષ વિરુદ્ધ કામ કરવાની મંજૂરી આપી રહી નથી. તેમણે કોંગ્રેસ પક્ષના ચિંતન શિબિરમાં શા માટે હાજરી આપી ન હતી તેવા પ્રશ્નને ટાળ્યો હતો અને દલીલ કરી હતી કે, તેઓ ગુજરાતમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ કરી રહ્યા છે.