કોંગ્રેસના ડી.ડી. રાજપૂત ભાજપમાં જોડાયા, કહ્યું મોદીના વિકાસકાર્યોથી પ્રભાવિત થયો
થરાદ, 08 એપ્રિલ 2024 લોકસભાની ચૂંટણી પૂર્વે થરાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ડી.ડી રાજપૂત ભાજપમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કામો અને રામ મંદિર જેવા મહાન કાર્યોથી પ્રભાવિત થઈને અંતરાત્માના અવાજને સાંભળીને ભાજપમાં જોડાયો છું. તેમની સાથે તેમના હજારો સમર્થકો અને આગેવાનોએ પણ મુખ્યમંત્રીના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. ડી.ડી. રાજપૂતના ભાજપમાં જવાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો હોવાનુ સુત્રો જણાવી રહ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ધારણ કર્યો
બનાસકાંઠામાં થરાદ દાડમ માર્કેટયાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આજે સભા યોજાઈ હતી. જેમાં તેમની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ધાનેરા, ડીસા, પાલનપુર સહિત દિયોદરના ધારાસભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના બાદ જાહેરસભાને સંબોધતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાજપના વિકાસની વાતો કરી હતી. કોંગ્રેસ છોડી આગેવાનો ભાજપમાં આવી રહ્યા છે ત્યારે, થરાદના આગેવાન અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂત, યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ જોષી સહિત હજારો આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું સન્માન કર્યું
હજારો આગેવાનોને મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્ય હતા. જેના બાદ ભાજપમાં આવેલ કોંગ્રેસના આગેવાન ડીડી રાજપૂત અને અન્ય આગેવાનોએ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું સન્માન કર્યું હતું. જેના બાદ ભાજપમાં જોડાયેલા હજારો આગેવાનોને પણ મુખ્યમંત્રીએ આવકાર્ય હતા.આ પ્રસંગે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના વિકાસના કામો અને રામ મંદિર જેવા મહાન કાર્યોથી પ્રભાવિત થઈ અને અંતરાત્માના અવાજને સાંભળીને ભાજપમાં જોડાયો છું. ક્ષત્રિયોના આંદોલન વિશે પૂછતાં જણાવ્યું હતું કે, મા ભવાની અને ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આ વાતનો સુખદ અંત આવે.
આ પણ વાંચોઃરામાયણના ‘લંકેશે’ ધ્વસ્ત કર્યો હતો કોંગ્રેસનો સાબરકાંઠાનો ગઢ, જાણો આ વખતે કોનું પલડું ભારે