વિરોધ વચ્ચે કોંગ્રેસના વધુ છ ઉમેદવારોના નામની યાદી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ પાર્ટીએ વધુ છ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની કાલે અંતિમ તારીખ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાકી હતી. તેવામાં આજે મોડી સાંજે ઉમેદવારની વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં 6 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.
મનહર પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ
સૌથી મોટો મુદ્દો કે કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવારોના નામ જાહેર કર્યા તેમાં કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે બંધબારણે બેઠક કરી હતી અને મનહર પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ્ થઈ છે. આ અંગે મનહર પટેલે નિવેદન આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.
6 વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ફરી ટિકિટ
મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેન્તી જેરાજ પટેલ 6 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી હારી ચૂક્યા છે. આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસના ગઢમાં શું ભાજપ પરચમ લહેરાવશે ? જાણો ડાંગ બેઠકનું રાજકીય ગણિત