ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈન્દોરના કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિ બમ પોતાનું નામાંકન પાછું ખેંચીને ભાજપમાં જોડાયા

  • અક્ષય કાંતિ બમ ભાજપ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલાને સાથે કલેક્ટર પાસે પહોંચ્યા હતા 

નવી દિલ્હી, 29 એપ્રિલ: લોકસભા ચૂંટણીને પગલે ગુજરાતના સુરતની જેમ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.  ઈન્દોર બેઠક પરથી ઊભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. તેઓ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે કલેક્ટર પાસે ગયા અને પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. નોમિનેશન પાછું ખેંચ્યા બાદ અક્ષય કાંતિ બમ સીધા બીજેપી ઓફિસ ગયા. જ્યાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કાંતિ બમ સામે BJP સાંસદ શંકર લાલવાણી મેદાનમાં ઉભા હતા.

https://twitter.com/KailashOnline/status/1784833669850403270

 

કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે ટ્વિટ કરીને આપી માહિતી

આ માહિતી ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી ટ્વીટ કરતી વખતે તેમણે લખ્યું છે કે, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા , મુખ્યમંત્રી મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વિ.ડી. શર્માના નેતૃત્વ હેઠળ ભાજપમાં સ્વાગત છે.”

અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, આ પ્લાન એક હોટલમાં બનાવવામાં આવ્યો હતો. ઉમેદવાર અક્ષય કાંતિ બમે નામાંકન પાછું ખેંચી લેવા પર અનિચ્છનીય ઘટનાની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ‘કોંગ્રેસીઓ હંગામો મચાવશે.’ જેના કારણે મંત્રી વિજયવર્ગીયની સાથે મેન્ડોલાનો પ્રવેશ થયો. ફોર્મ પરત લેવા માટે બંને એકસાથે કલેક્ટર કચેરીએ પણ ગયા. ભાજપના ઉમેદવારો શંકર લાલવાણી અને અક્ષય બમ સિવાય 21 વધુ ઉમેદવારો મેદાનમાં છે. જેઓ અલગ-અલગ પક્ષો સાથે જોડાયેલા છે અથવા અપક્ષ છે. અહેવાલ મુજબ, ભાજપની યોજના છે કે, સુરતની જેમ બાકીના ઉમેદવારોના પણ ઉમેદવારીપત્રો પાછા ખેંચીને સમગ્ર મેદાન સાફ કરી નાખવું અને સમગ્ર દેશમાં ફરી એકવાર સુરત જેવો રાજકીય માહોલ સર્જી નાખવો.

આ પણ જુઓ: રૂપાલા અને રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો બફાટ, જાણો પટેલો અને ક્ષત્રિયો વિશે શું કહ્યું?

Back to top button