- ગુજરાત કોંગ્રેસ આવ્યું યુવરાજસિંહના સમર્થનમાં
- જગદીશ ઠાકોર અને નેતા અમિત ચાવડાએ આપ્યું નિવેદન
- સરકાર અને પોલીસ તંત્ર પર કર્યા પ્રહાર
ભાવનગરના ચકચારી ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે.ગઈ કાલે ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. ડમીકાંડમાં યુવરાજસિંહ સામે નામ જાહેર ન કરવા માટે 1 કરોડની ખંડણી માગવાનો ગુનો નોંધાયો છે. ત્યારે યુવરાજસિંહની ધરપકડથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકીય નેતાઓ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ યુવરાજસિંહને સમર્થન આપ્યું છે.
કોંગ્રેસે આપ્યું યુવરાજસિંહને સમર્થન
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની અટકાયત બાદથી ગુજરાત કોંગ્રેસ તેમના સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ યુવરાજસિંહના સમર્થનમાં નિવેદન આપ્યું છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ યુવરાજસિંહના સમર્થનમાં નિવેદન આપ્યું છે. અને સરકાર પર આ મામલે આકરા પ્રહારો કર્યા છે.
જગદીશ ઠાકોરે શુ કહ્યું ?
જગદીશ ઠાકોરે આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતુ કે ‘યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત, પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ થઈ, યુવરાજસિંહે જે કાગળ આપ્યું તે પોલીસ ચેક નથી કરતી તો તપાસ કેવી રીતે કરી ?, પોલીસ ભાજપ સામે અવાજ ઉઠાવનારાને દબાવવા માંગે છે પણ આ લડાઈ રોકાશે નહીં, તેમણે વધુમાં કહ્યું કે ‘તંત્ર 30 વર્ષમાં પેપર ફોડનારાને સજા કેમ ન આપી શક્યું તે મોટો સવાલ છે’.
અમિત ચાવડાએ શુ કહ્યું ?
કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતુ કે ‘રાજ્ય સરકારે પેપર ફોડનારા સામે કાર્યવાહી કરવાની હતી, ડમીકાંડમાં સામેલ ગુનેગારોની ધરપકડ કરવાની જરૂર હતી પરંતુ જે લોકો ફરિયાદ કરે તેમની જ ધરપકડ કરવામાં આવે છે’ અને ભાજપના નેતાઓને કેમ પૂછપરછ માટે નથી બોલાવતા ? યુવરાજસિંહ પર FIR થાય તો ભાજપના નેતા સામે કેમ નહીં?
આ પણ વાંચો : ભાવનગર ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાની આખરે ધરપકડ, 1 કરોડની ખંડણી લીધાનો ધડાકો