બનાસકાંઠામાં દારૂના કેસ મામલે કોંગ્રેસ – ભાજપ આમને સામને
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પોલીસની કામગીરીને લઈને ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા બાદ આજે જિલ્લાના ભાજપના ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોલીસનું મોરલ ન તૂટે અને અસામાજીક તત્વો અને બુટલેગરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી..
કોંગ્રેસનો દાવ ઉલટો પડી શકે છે
પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસ કરી ફસાવે છે : કોંગ્રેસ
પોલીસનું મોરલ તોડવાનો પ્રયત્ન : ભાજપ
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રજા ઉપર ખોટા કેસ કરીને તેમને ફસાવતી હોવાનું તેમજ કોંગ્રેસના નેતા ઠાકરસી રબારી ઉપર ખોટા કેસો કરીને તેમને પાસા કરાવવાની કાર્યવાહી કરતી હોવાના તેમજ બુટલેગરોને છાવરતી હોવાના ગંભીર આક્ષેપો કરીને કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપીને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમજ પોલીસ નહિ સુધરે તો જેલ ભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લામાં સરાહનીય કામ કરતી પોલીસનું મોરલ તોડવાનો પ્રયત્ન કરાતો હોવાના આક્ષેપ સાથે આજે બનાસકાંઠા જિલ્લાનું ભાજપનું મંડળ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કોંગ્રેસના આક્ષેપો તદ્દન પાયા વિહોણા હોવાના ગણાવ્યા હતા અને પોલીસ યોગ્ય કામગીરી કરતી હોવાથી કોંગ્રેસના દબાણમાં આવીને કોઈપણ ગુનેગાર ન છટકી જાય તે માટેની રજુઆત કરી હતી. જોકે હવે જિલ્લામાં પોલીસની કામગીરીને લઈને કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને-સામને આવી જતા કોંગ્રેસનો દાવ ઉલટો પડતો દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ટામેટા સહિત લીલા શાકભાજી સાથે આ વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચી