કોંગ્રેસના બે નેતાઓ સાનમાં સમજ્યા કે સમય પારખ્યો? જાણો કેમ ધૂરંધરો ચૂંટણી નહીં લડે
અમદાવાદ, 12 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપે 15 બેઠકો પર મુરતિયા જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે કેટલાક નેતાઓને ફોન કરીને તૈયારીઓ કરી દેવા જણાવ્યું છે. પરંતુ ભાજપમાંથી મહેસાણા બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવ્યા બાદ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેમ કોંગ્રેસમાં પણ બે નેતાઓએ જાણે સાનમાં સમજી ગયા હોય અને સમય પારખી ગયા હોય તેમ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
અનેક નેતાઓએ પક્ષપલટો કરીને કોંગ્રેસને મુશ્કેલીમાં મુકી
કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર થાય તેવી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કરીને કોંગ્રેસને મુશ્કેલીમાં મુકી દીધી છે. એવામાં બે નેતાઓએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા પક્ષમાં ચર્ચાઓ તેજ બની છે. એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોને સીધો જ ફોન કરીને જાણ કરવામાં આવી છે. રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થયા બાદ યાદી જાહેર થવાની ઔપચારિકતા જ બાકી હોવાનું કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે. બીજી બાજુ સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોર, દમણ-દીવથી કેતન પટેલને કોંગ્રેસ રીપિટ કરી શકે છે. બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જબરદસ્ત પ્રચાર શરૂ કર્યો છે. એવામાં ભરતસિંહની જાહેરાત પણ સૂચક બની છે.
ભરતસિંહ સોલંકીએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.
જગદીશ ઠાકોર પણ ચૂંટણી નહીં લડે
એક વીડિયો જાહેર કરતાં જગદીશ ઠાકોરે કહ્યુ કે, હાઇ કમાન્ડે તેમણે ચુંટણી લડવા માટે આગ્રહ કર્યો હતો. જોકે રાજકારણમાં નવા ચહેરા આવે તેવી રાહુલ ગાંધીની ઇચ્છાને તેઓ માન આપે છે જેને ધ્યાને લઇ ચુંટણી ન લડવાના નિર્ણયને હાઇ કમાન્ડ સમક્ષ રાખ્યો છે. કોંગ્રેસ પક્ષે તેમને ઘણું આપ્યું હોવાથી નવા લોકોને ચાન્સ આપવાનો આગ્રહ કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સારા ઉમેદવારોને ચાન્સ આપશે.જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવા માટે કારણ નાદુરસ્ત તબિયતને પણ આગળ ધરી છે. કોંગ્રેસ છોડીને જનારા નેતાઓને પણ જગદીશ ઠાકોરે આડે હાથ લીધા અને કહ્યું કે, નબળા સમયમાં કોંગ્રેસ છોડીને ગયા તેમણે કુદરત માફ નહીં કરે. જ્યારે પક્ષ છોડી જનારના દુઃખના દિવસો શરૂ થાય ત્યારે સમજવાનું કે ગદ્દારીનો જવાબ મળ્યો છે.
પોરબંદરથી લલિત વસોયાને ચાન્સ મળી શકે છે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. તેમની પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાને ભાજપે ટીકિટ આપી છે. ત્યારે આ બેઠક પરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વસોયાની ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના અપાઈ છે. દિલ્હી CECની બેઠકમાંથી હાઈકમાન્ડનો વસોયા પર ફોન આવ્યો હતો. હાલ લલિત વસોયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. જો તેમને પોરબંદરથી ટિકિટ અપાશે તો તેઓ ભાજપના મનસુખ માંડવિયા સામે ચૂંટણી લડશે.
આ પણ વાંચોઃબનાસકાંઠામાં ગેનીબેનનો હૂંકારઃ અઢારે આલમ પાસે ‘મામેરા’ની સાચી હકદાર હું જ છું