ભાજપની ટિકિટ પર ત્રણ વખત ધારાસભ્ય બનનાર અજય રાયને યુપી કોંગ્રેસની કમાન
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ રમ્યો છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. અજય રાયે 2014 અને 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી છે. અજય રાય અત્યાર સુધીમાં પાંચ વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. ત્રણ વખત તેઓ માત્ર ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે જ્યારે બે વખત તેઓ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા છે.
2009ની લોકસભા ચૂંટણી દરમિયાન અજય રાય વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. જ્યારે કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી તો તેઓ સપામાં જોડાયા. ભાજપ તરફથી મુરલી મનોહર જોશી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા હતા. અજય રાયે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. મુરલી મનોહર જોશી જીત્યા હતા.
આ પણ વાંચો-લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી; મુકુલ વાસનિકને અપાઇ જવાબદારી
જણાવી દઈએ કે 2009ની લોકસભા ચૂંટણીમાં મુખ્તાર અંસારી પણ વારાણસી લોકસભા સીટથી ઉમેદવાર હતા. જોકે તે બીજા નંબરે હતા જ્યારે અજય રાય ત્રીજા નંબરે હતા. 2009ની ચૂંટણી પૂરી થયા બાદ અજય રાય ફરી કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
અજય રાયને વારાણસીના મજબૂત નેતા માનવામાં આવે છે અને લોકોમાં તેમની સારી પકડ છે. અજય રાય ભૂમિહાર સમુદાયમાંથી આવે છે અને વારાણસી, ગાઝીપુર, જૌનપુર સહિતના પડોશી જિલ્લાઓમાં તેની સારી સંખ્યા છે. ભૂમિહારોની સાથે બ્રાહ્મણોને સાધવા માટે પાર્ટીએ તેમને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે.