કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કોંગ્રેસ દ્વારા 25 જૂને રાજકોટ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું, જાણો શું છે માંગ

Text To Speech

રાજકોટ, 24 જૂન 2024, TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને આવતીકાલે એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. આવતીકાલની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાશે આ બંધના એલાનને મોટા ભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે.

વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો
રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે. આવતીકાલે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ન્યાયની માગ સાથે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ આ બંધમાં જોડાવવાના છે. બંધ માટે લોકોને અપીલ કરવા જતા અમારા નેતાઓને વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વાતનો ગર્વ છે. અફસોસ એ વાતનો છે કે રાજકોટવાસીઓ પાસે એવું પણ સાંભળવા મળ્યું છે કે બંધ ભલે પાળો પણ કશું થવાનું નથી.નાની માછલીઓ પકડાશે, મોટા મગરમચ્છોને કશું થવાનું નથી. ત્યારે ન્યાયની માગ સાથે અમારો વિરોધ છે.

વેપારીઓને આવતીકાલે બંધ પાળવા અપીલ કરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીને પણ હું વિનંતી કરીશ કે અત્યંત દુઃખ છે, મને આપને આ રાજકોટની જનતાએ પ્રથમ વખત ધારાસભ્ય બનાવી મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો હતો. આ રાજકોટે તમને ચૂંટ્યા ન હોત તો આપની કારકિર્દી ખતમ થઇ ગઈ હોત. આપ 5 મિનિટ આવી પીડિત પરિવારોને આશ્વાસન ન આપી શકો? ચૂંટણી પણ પૂર્ણ થઇ ગઈ છે. હવે તો વિદેશપ્રવાસ પણ આપ કરી રહ્યા છો, એક 5 મિનિટ રાજકોટના પીડિત પરિવારોને ફાળવવી જોઈએ.છેલ્લા 25 દિવસથી રાજકોટમાં રહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પરિવારોને ન્યાય અપાવવા માટે મહેનત કરી રહ્યા છે. તેમણે 3 દિવસ ધરણાં પર બેસી ઉપવાસ કર્યા, ઘરે-ઘરે જઈને પત્રિકા વિતરણ કરી, અલગ-અલગ બજારોમાં ફરી વેપારીઓને આવતીકાલે બંધ પાળવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડ : SIT રીપોર્ટ બાદ ફાયર વિભાગના વધુ 2 અધિકારીઓની ધરપકડ

Back to top button