કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી, ગોડ્ડા બેઠક ઉપર કર્યો બદલાવ
નવી દિલ્હી, 21 એપ્રિલ : કોંગ્રેસે આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 લોકસભા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમજ ઝારખંડની ગોડ્ડા સીટ પર કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે. હવે કોંગ્રેસે આ સીટ પર દીપિકા પાંડેના બદલે પ્રદીપ યાદવ પર દાવ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગોડ્ડા સીટ પર અગાઉ ભાજપના નિશિકાંત દુબે અને મહાગામાના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહ વચ્ચે ચૂંટણી લડાઈ હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બદલાયા બાદ હવે નિશિકાંત દુબે અને પ્રદીપ યાદવ વચ્ચે મુકાબલો થશે. પ્રદીપ યાદવે છેલ્લી લોકસભા ચૂંટણી ગોડ્ડાથી JVMની ટિકિટ પર લડી હતી. બાદમાં JVM ભાજપમાં ભળી ગયું હતું. ત્યારબાદ પ્રદીપ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. 2007માં, તેઓ ભારતીય જનતા પાર્ટી છોડીને ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાતાંત્રિક)માં જોડાયા હતા. પ્રદીપ યાદવ પોરૈયાહાટના વર્તમાન ધારાસભ્ય પણ છે.
પ્રદીપ યાદવ રાજ્ય કેબિનેટમાં બે વખત મંત્રી રહી ચૂક્યા છે, તેઓ તત્કાલિન મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીના શાસનમાં ગ્રામીણ વિકાસ મંત્રી હતા. આ પહેલા તેઓ ભાજપના સભ્ય તરીકે 13મી લોકસભામાં ગોડ્ડા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કોંગ્રેસે યશશ્વની સહાયને રાંચી સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે, તેમનો સીધો મુકાબલો ભાજપના સંજય સેઠ સાથે થશે. 14 લોકસભા સીટો ધરાવતા ઝારખંડમાં ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા તબક્કામાં મતદાન થશે.