પીએમ મોદીની કન્યાકુમારીમાં ધ્યાન કરવાની યોજનાથી કોંગ્રેસ નારાજ, જાણો શું કહ્યું?
- પીએમ મોદી કન્યાકુમારી જિલ્લામાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલમાં જઈ ધ્યાન કરશે
- જો કે કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરશે ફરિયાદ
તમિલનાડુ, 29 મે: લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. આ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ 30 મેની સાંજે શાંત થશે. પીએમ મોદી 30 મેના રોજ સાંજે કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલની મુલાકાત લેવાના છે જ્યાં તેઓ ધ્યાન કરશે. જો કે પીએમ મોદીના આ કાર્યક્રમથી કોંગ્રેસે નારાજગી દર્શાવી છે. તમિલનાડુ કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચૂંટણી પંચમાં જવાની પણ વાત કરી છે.
કોંગ્રેસે આ કાર્યક્રમને ડ્રામા ગણાવ્યો
તમિલનાડુ કોંગ્રેસે કન્યાકુમારીના વિવેકાનંદ રૉક ખાતે પીએમ મોદીના ધ્યાન કાર્યક્રમ વિશે કહ્યું છે કે આ ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા યોજાયેલું નાટક છે. કોંગ્રેસે કહ્યું કે તે ચૂંટણી પંચનો સંપર્ક કરશે અને કહેશે કે છેલ્લા તબક્કાના એક દિવસ પહેલા મત માંગવાનો આ ડ્રામા છે. તમિલનાડુ કોંગ્રેસના વડા સેલવાપેરુન્ધાગાઈએ કહ્યું કે પીએમ મોદી દ્વારા આ કાર્યક્રમનું આયોજન આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે કારણ કે તે સતત મીડિયા કવરેજ દ્વારા મતદારોને પ્રભાવિત કરી શકે છે.
ડીજીપીને પણ પરવાનગી ન આપવા વિનંતી
તમિલનાડુ કોંગ્રેસના વડા સેલવાપેરુન્ધાગાઈએ જાહેરાત કરી છે કે તેઓ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના કાર્યક્રમને રોકવા માટે ચૂંટણી પંચનો સંપર્ક કરશે. આ સાથે ડીજીપીને આગામી ત્રણ દિવસમાં પ્રવાસીઓ માટે સંભવિત વિક્ષેપને ટાંકીને પીએમ મોદીના કાર્યક્રમની પરવાનગી નકારવા માટે પણ વિનંતી કરવામાં આવશે.
શું છે PMના કાર્યક્રમનું શેડ્યૂલ?
પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેથી 1 જૂન સુધી રહેશે. પીએમ મોદી 30 મેથી 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર પર ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. સત્તાવાર કાર્યક્રમ અનુસાર આ પહેલા 30 મેના રોજ સવારે 11 વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.
આ પણ વાંચો: ઓડિશાના વરિષ્ઠ IPS પર ECIની મોટી કાર્યવાહી, તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ; જાણો કારણ