અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

કોંગ્રેસનો આક્ષેપઃ ગુજરાતમાં 17.35 લાખ પુરૂષો અને 1.85 લાખ મહિલાઓમાં ડ્રગ્સનું બંધાણ

અમદાવાદ, 29 ડિસેમ્બર 2023, ગુજરાતમાં અનેક વખત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ડ્રગ્સની હેરાફેરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં હજારો કિલો ડ્રગ્સ પકડ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 9.3691 કીલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 93763 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે.

ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના 17.35 લાખ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1.85 લાખ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે.

ડ્રગ્સ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી
કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાનની જરૂર સામે હાલ માત્ર 152 પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે 174 પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર 117 પોલીસ જવાન છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા છે. નશામુક્તિ અભિયાન,ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સનો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવવામાં આવે, વહેલી તકે પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લેવાય તેવી કોંગ્રેસે માંગ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં તબિયતના નામે દારૂ પીનારા પરમિટ ધારકોની સંખ્યા વધી

Back to top button