ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતાં કોંગ્રેસે કર્યા કેન્દ્ર પર આક્ષેપ, કહ્યું- ‘2 રૂપિયા ખર્ચવા માટે લાચાર બન્યા છીએ’

નવી દિલ્હી, 21 માર્ચ: રાહુલ ગાંધીએ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આજે અમે 2 રૂપિયા ખર્ચવા માટે પણ લાચાર બની ગયા છીએ. એટલું જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટરોલ બૉન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ગુરુવારે કોંગ્રેસે પાર્ટીની મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સોનિયા ગાંધી, અજય માકન, જયરામ રમેશ સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખડગેએ ચૂંટણી બૉન્ડમાં ભાજપને મળેલા દાનની ટીકા કરી

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશનો દરેક નાગરિક ચૂંટણીમાં ભાગ લેવા ઇચ્છુક છે. કોઈપણ લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. તેમણે કહ્યું કે ચૂંટણી બૉન્ડને લઈને જે માહિતી કે તથ્યો સામે આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે. ભાજપને 56% દાન મળ્યું છે જ્યારે કોંગ્રેસને માત્ર 11% દાન મળ્યું છે. આ એ પૈસા છે જે ભાજપે બૉન્ડમાંથી લીધા છે. આ સિવાય ભાજપ પાસે કેટલી રકમ રોકડમાં આવે છે તેનો તો કોઈ હિસાબ જ નથી. ભારતની લોકશાહી વ્યવસ્થાના 70 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરી રહી છે, તેથી મને આશા છે કે સત્ય જલ્દી બહાર આવશે.

કોંગ્રેસને લાચાર બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે: સોનિયા ગાંધી

આ અંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે અમે ચૂંટણી પ્રચારને અસરકારક બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. ઈલેક્ટોરલ બૉન્ડના કારણે ભાજપને મોટો ફાયદો થયો છે. અમે બધા માનીએ છીએ કે આ ગેરબંધારણીય અને અલોકતાંત્રિક છે. વડાપ્રધાન કોંગ્રેસને લાચાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બહુ ગંભીર મુદ્દો છે, લોકશાહી પર હુમલો છે.

ખાતા ફ્રીઝ થતા રાહુલ ગાંધી ભડક્યા

પ્રેસને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં લોકશાહી બચી નથી. અમારા બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. અમે ચૂંટણીમાં ખર્ચ કરી શકતા નથી અને ચૂંટણીમાં પ્રચાર કરી શકતા નથી. ખાસ કરીને આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ચૂંટણીને માત્ર 2 મહિના બાકી છે. માત્ર 14 લાખ રૂપિયા માટે અમારા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે 20% જનતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. પરંતુ અમે 2 રૂપિયા પણ ખર્ચી શકતા નથી. આ અંગે કોઈ કોર્ટ કંઈ કરી રહી નથી, ન તો ચૂંટણી પંચ કે મીડિયા આ બાબતે કંઈ કહી રહ્યું છે. બધા ચૂપ થઈને નાટક જોઈ રહ્યા છે.

પાર્ટી પાસે ચૂંટણી ખર્ચ માટેના પૈસા નથી: અજય માકન

કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકને આ અંગે જણાવ્યું હતું કે વર્ષ 1994-1995 માટે અમને એસેસમેન્ટ નોટિસ મોકલવામાં આવી છે. આ કેવા પ્રકારની લોકશાહી છે? અમને 30-40 વર્ષ જૂની વસ્તુ માટે નોટિસ મોકલવામાં આવી રહી છે. 0.7% માટે, અમારા પર 126% નો દંડ લાદવામાં આવ્યો છે. અમારા પર 14 લાખ 40 હજાર રૂપિયા માટે 210 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. અમારું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રચાર, પેમ્ફલેટ વગેરે તમામ ચૂંટણી ખર્ચ માટેના પૈસા નથી. આ લોકશાહીનું ઉલ્લંઘન છે. આવકવેરા વિભાગ દ્વારા અમને 210 કરોડ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડ પર નિશાન સાધ્યું, ‘વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ’

Back to top button