ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં અગડંબગડં ચાલુ છેઃ હવે IT કર્મચારીઓ સરકારથી નારાજ, જાણો શું થયું?

  • શોપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પ્રસ્તાવિત સુધારાથી IT સેક્ટર યુનિયનોમાં ગુસ્સો ફેલાયો

બેંગલુરુ, 21 જુલાઇ: કર્ણાટકમાં ખાનગી ક્ષેત્રની નોકરીઓ માટે આરક્ષણ આપતા બિલ અંગેનો હોબાળો થમ્યો નથી ત્યાં વધુ એક નવો વિવાદ ઊભો થયો છે. સિદ્ધારમૈયા સરકાર હવે IT કર્મચારીઓના કામકાજના કલાકો વધારવાની યોજના બનાવી રહી છે. જોકે, IT સેક્ટરના યુનિયનો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે. IT કર્મચારીઓ માટે કર્ણાટકની સરકાર અત્યારે રહેલા 10 કલાકને વધારીને 12 કલાકથી વધુ પ્રતિ દિવસ કરવાનું વિચારી રહી છે. કર્ણાટક શોપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પ્રસ્તાવિત સુધારાથી IT સેક્ટર યુનિયનોમાં ગુસ્સો ફેલાયો છે, જેઓ દલીલ કરે છે કે, કામના કલાકો વધારવાથી કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખતરનાક અસર પડી શકે છે.

 

12-કલાકના કામકાજના દિવસની સુવિધા માટે કર્ણાટક શોપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરવાનો પ્રસ્તાવ ઉદ્યોગના વિવિધ હિતધારકો સાથે શ્રમ વિભાગ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. કર્ણાટક સ્ટેટ IT/ITES એમ્પ્લોઇઝ યુનિયન (KITU)ના પ્રતિનિધિઓ પહેલેથી જ શ્રમ મંત્રી સંતોષ લાડને મળી ચૂક્યા છે અને આ પગલાં અંગે તેમની ચિંતા વ્યક્ત કરી છે.

નવી યોજના શું છે?

નવા પ્રસ્તાવ મુજબ, ‘IT/ITES/BPO સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને દિવસમાં 12 કલાકથી વધુ સમય સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે અને તેમને સતત ત્રણ મહિનામાં 125 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.’

KITUનું શું કહેવું છે?

KITUના જનરલ સેક્રેટરી સુહાસ અદિગાએ કહ્યું હતું કે, “આનાથી IT/ITES કંપનીઓને દૈનિક કામના કલાકો અનિશ્ચિત સમય સુધી લંબાવવામાં મદદ મળશે. આ સુધારો કંપનીઓને હાલ અસ્તિત્વમાં રહેલી ત્રણ શિફ્ટ સિસ્ટમને બદલે બે શિફ્ટ સિસ્ટમ અપનાવવાની મંજૂરી આપશે અને એક તૃતીયાંશ કર્મચારીઓને તેમની નોકરીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. ઉપરાંત, તે IT કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે જોખમી રહેશે.”

વિરોધને જોતા શ્રમ મંત્રી અંતિમ નિર્ણય લેતા પહેલા ચર્ચા કરવા તૈયાર થયા છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના IT ઉદ્યોગ અને તેના કર્મચારીઓની સુખાકારી માટે દૂરગામી અસરો થવાની સંભાવના છે.

આ પણ જૂઓ: ઉજ્જૈનમાં પણ દુકાનદારો લગાવશે નામના બોર્ડ: મેયરે આપ્યો આદેશ, કહ્યું- ગ્રાહકોનો અધિકાર

Back to top button