ગીરસોમનાથ જીલ્લામાં બોર્ડની પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલમાં આયોજન
રાજ્યભરમાં આજથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનું આયોજન કરાયું છે. અનેક સ્કૂલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સીસીટીવીથી સજ્જ સંકુલમાં વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે.
રાજ્યભરના 958 કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન
રાજ્યમાં આજથી GSEBની પરીક્ષા 33 જિલ્લાનાં 958 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ રહી છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગ્યે શરૂ થઈ છે અને પ્રથમ ભાષાનું પેપર છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી છે. વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળ તત્ત્વોનું પેપર છે. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યભરમાંથી કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં લગભગ 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.